સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના સુપરવિઝન હેઠળ નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયા અંગેની નોંધ કરવામાં આવી હતી. ગત તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગોસા ગામ ખાતે રહેતા નાગાજનભાઇ અર્જનભાઇ આગા ઉંમર વર્ષ ૨૮ કોઈ કારણસર ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવા છતાં યુવકનો કોઈ પત્તો ન લાગતા, નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાહેરાત નોંધાવવામાં આવી હતી.
ગુમ થયેલા યુવકની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિસ્તારના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા આસપાસના ધાર્મિક અને જાહેર સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. સઘન તપાસ અને ચોક્કસ હકીકતના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ યુવકને સોમનાથ મંદિરની બાજુમાંથી સુરક્ષિત અને હેમખેમ શોધી કાઢ્યો હતો.
યુવકને પોલીસ સ્ટેશન લાવી તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પરિવારજનોને બોલાવી સુખરૂપ તેમને સોંપવામાં આવ્યો હતો. પોતાના ગુમ થયેલા દીકરાને સુરક્ષિત પાછો મેળવી પરિવારજન અત્યંત ભાવુક બન્યા હતા અને પોલીસ ટીમની ત્વરિત તથા પ્રશંસનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરી, સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવિણભાઇ ભુવા, સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર રાયદેભાઇ ઓડેદરા અને હેડ કોન્સ્ટેબલ ભીખુભા ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.
