
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે આર.એમ. તન્નાએ આજરોજ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. આ ચાર્જ મેળવતી વખતે તેમણે જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને ‘ટીમ દેવભૂમિ દ્વારકા’ તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી હતી.

આ સાથે જિલ્લાના તત્કાલીન જી.ટી. પંડ્યાનો શિક્ષણ વિભાગમાં ઉચ્ચ પદ પર બઢતી સાથે બદલી થતા ટીમ દેવભૂમિ દ્વારકા દ્વારા તેમની સાથેના સંસ્મરણો વાગોળીને વિદાયમાન અપાયું હતું. રેવન્યુ સ્ટાફ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ તેમના સરળ સ્વભાવ અને સક્ષમ નેતૃત્વને બિરદાવીને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

આ સમયે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, દ્વારકાના પ્રાંત અધિકારી એ.એસ. અવતે, ખંભાળિયાના કે.કે. કરમટા, નાયબ કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)