
– તા. 25 ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે –
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫
ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોશ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરના મહત્વના રેસીડેન્સ વિસ્તાર એસએનડીટી – રામનાથ સોસાયટી વિસ્તારમાં આજથી આશરે 12 વર્ષ પૂર્વે નગરપાલિકા દ્વારા નવી શાક માર્કેટ બનાવવામાં આવી હતી. આ શાક માર્કેટમાં નાના-મોટા કુલ 39 ગાલા (સ્ટોલ) બનાવવામાં આવ્યા હતા. ત્યારે અહીંના જોધપુર ગેઈટ શોપિંગ સેન્ટરની જેમ જ શાકમાર્કેટ માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થતા હવે આ શાક માર્કેટને પણ લોકો માટે ખુલ્લી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આ માર્કેટમાં રહેલા નાના-મોટા કુલ 39 ગાલાઓ (સ્ટોલ)ની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ ગાલા (સ્ટોલ)ને હરાજીથી ભાડાપટ્ટે મેળવવા માટેની જાહેર હરાજી આગામી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે માર્કેટની નજીક આવેલા કોમ્યુનિટી હોલ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં યોજવામાં આવી છે. ત્યારે આ ગાલા (સ્ટોલ) માટેની બુકલેટ તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં મેળવી લઈ અને તારીખ 24 સુધીમાં નિયત રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે નગરપાલિકા કચેરી ખાતે પરત આપવાની રહેશે તેમ જાહેર થયું છે.
આ ભાડાપટ્ટે ગાલા મેળવવા માટેની પ્રત્યેક નાના ગાલાની અપસેટ પ્રાઈઝ રૂપિયા પોણા બે લાખ તેમજ મોટા ગાલાની વધુ રકમ નક્કી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)