જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫
ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને અહીંની પીજીવીસીએલ કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કાજલબેન મગનભાઈ પરમાર નામના 26 વર્ષના મહિલા કર્મચારી શનિવારે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજા નામના એક આસામીના ઘરના બાકી લાઈટ બિલના રૂ. 6280 તથા તેના ભાઈ ખોડુભા બચુભા જાડેજાની વાડીનું લાઈટ બિલ રૂ. 3,954 બાકી હતું. જે બંને રકમ તેઓએ ભરપાઈ કરી ન હોવાથી નિયમ મુજબ તેઓનું કનેક્શન કાપવાની કામગીરી કરવા માટે શનિવારે તેઓ ગયા હતા.
આથી શનિવારે વીજ જોડાણ ડીસ્કનેક્શનની કામગીરી માટે કાજલબેન પરમાર તેમજ અન્ય સ્ટાફ ધર્મેન્દ્રસિંહના ઘરે ગયા હતા. આ દરમિયાન તેઓએ સર્વિસ ડીસ્કનેક્ટ નહીં કરવા દેવા બાબતે આરોપી ખોડુભા બચુભા જાડેજાએ મહિલા કર્મચારીને અપશબ્દો બોલી, તેણીના હાથનું બાવળું પકડીને ધક્કો માર્યો હતો. આટલું જ નહીં, આરોપી ખોડુભા જાડેજાએ “અહીંથી નીકળી જાવ નહીંતર તારું મોઢું રંગી નાખીશ”- તેવી ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે કાજલબેન પરમારની ફરિયાદ પરથી ખોડુભા બચુભા જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)