Friday June 20, 2025

ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫

     ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, હરપાલસિંહ જાડેજા, તેમજ પ્રવીણભાઈ માડમને મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકના જે.કે.વી. નગર 9 માં રહેલી એક અવાવરું જગ્યામાં બાવળની જાળી વચ્ચે છુપાવીને રાખવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.

       આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 45,588 ની કિંમતની 71 બોટલ વિદેશી દારૂ અને રૂપિયા 20,000 ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 65,588 ના મુદ્દામાલ સાથે અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ ચતુરસિંહ જાડેજા (ઉ.વ. 30) અને સામોર ગામની સીમમાં હાલ રહેતા બળદેવ ઉર્ફે દેવુ ખેરાજ સાખરા (ઉ.વ. 31, મૂળ રહે. સંજયનગર) નામના બે શખ્સોની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

       અન્ય એક કાર્યવાહીમાં ખંભાળિયા પોલીસે અહીંના ભગવતી મેરેજ હોલની પાછળ રહેતા ચેતન વીરજીભાઈ બથવાર નામના 24 વર્ષના શખ્સને ₹ 4,800 ની કિંમતની 12 બોટલ વિદેશી દારૂ અને રૂપિયા 5,000 ની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 9,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top