જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા એક પરિવારનો 14 વર્ષનો પુત્ર ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ કરુણ બનાવવાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા ચનાભાઈ અજાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનનો 14 વર્ષે પુત્ર ધવલ ગત તારીખ 1 એપ્રિલના રોજ અન્ય બે છોકરાઓ સાથે ચપર ગામે નેભાભાઈ લખમણભાઈ ભાટિયાની વાડીમાં તરબૂચને ટ્રેક્ટરની ટ્રોલી વડે ભરાવીને ખરાબામાં નાખવાની મદદ કરવા માટે ગયો હતો. ત્યારે ટ્રેક્ટરના આગળના ભાગે આવેલા લોખંડના બમ્પર ઉપર ઉભેલા ધવલને નેભાભાઈએ બમ્પર ઉપર ઉભો રહેવાની ના પાડી હતી. પરંતુ ધવલ ઊતર્યો ન હતો. જેથી નેભાભાઈએ ઇરાદાપૂર્વક ટ્રેક્ટરને બેદરકારીપૂર્વક ચલાવી, વળાંક લેતા આગળ ઊભેલો ધવલ નીચે પટકાઈ પડ્યો હતો અને તે બમ્પરના ભાગે તથા ટાયર વચ્ચે આવી જતા તેમને માથામાં ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માત બનતા ધવલને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાં ગત તા. 4 ના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ચનાભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ચપર ગામના નેભા લખમણભાઈ ભાટિયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ કરવામાં આવી છે.
____________________________________________________________________________
દ્વારકા, ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલાઓ સહિત તેર ઝડપાયા
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, મોડી રાત્રિના સમયે રોન પોલીસ નામનો જુગાર જુગાર રમી રહેલા જાકુબ હુસેન ભેંસલીયા, શબીર લાખાભાઈ લુચાણી, ઇશા કાસમભાઈ ભેંસલીયા અને હનીફ દાઉદ મુસ્લિમ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 13,610 રોકડા રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન તેમજ રૂ. 30,000 ની કિંમતનું ઈ-બાઇક મળી, કુલ રૂપિયા 48,610 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં દ્વારકાના ઇસ્કોન ગેઈટ પાસેથી પોલીસે મધ્યરાત્રીના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અતુલ કાયાભા સુમણીયા, અજય દોલુભા સુમણીયા, જીગ્નેશ વિઠ્ઠલભાઈ ચાવડા, રમેશ મેઘજીભાઈ ખારવા, કાયાભા દેવાભા સુમણીયા અને શશીકાંત જગન્નાથ નાડર નામના છ શખ્સોને રૂપિયા 3,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ઓખા મરીન પોલીસે અલાના ભીખન તુરક, મુમતાઝબેન સુલેમાન ભીખલાણી અને જુબીબેન સુલેમાનભાઈ કુરેશીને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)