Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ વાઘેલા (ઉ.વ. 50) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
____________________________________________________________________________
અકસ્માતે કુવામાં પડી જતા વીરપુરના વૃદ્ધનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના વિરપુર ગામે રહેતા બોઘાભાઈ જગુભાઈ મકવાણા ગામના 60 વર્ષના વૃદ્ધ તા. 8 જુનના રોજ તેમની વાડીના કુવામાં પાણી ભરવા જતા અકસ્માતે તેઓ કુવામાં પડી ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ બોઘાભાઈ મકવાણા (ઉ.વ. 40) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
____________________________________________________________________________
ખંભાળિયાની બેંકમાં ધરતીપુત્રના લોનની રૂ. એક લાખની રકમ સેરવી જતા ગઠીયાઓ
ખંભાળિયાના મેઈન બજાર વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેન્કમાં ખેડૂત દ્વારા પાક ધિરાણના મેળવેલા રૂપિયા એક લાખની રકમ કોઈ ગઠિયાઓ થેલીમાંથી ચોરી જતા આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મશરીભાઈ ફોગાભાઈ ડાંગર નામના 48 વર્ષના ખેડૂત યુવાન મંગળવારે બપોરના સમયે અહીંના દરબારગઢ ખાતે આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ગયા હતા. જ્યાં તેમણે પોતાના એકાઉન્ટમાં ખેતીવાડી પાક ધિરાણ અર્થે મેળવેલા રૂપિયા એક લાખની રોકડ રકમ પોતાની કાપડની થેલીમાં મૂકી રાખી હતી. પરંતુ તેમની ધ્યાન બહાર કોઈ તસ્કર તેની કાપડની થેલીમાં ચીરો મારીને કોઈને જાણ ન થાય તે રીતે ઉપરોક્ત રકમ સેરવી ગયો હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર ઘટના અંગે ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી, સીસી ટીવી કેમેરા તેમજ અન્ય સોર્સિસની મદદથી આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
____________________________________________________________________________
રસ્તેથી નીકળવા બાબતે બોલાચાલી થતા નંદાણાના વૃદ્ધને માર પડ્યો
– મહિલા સહિત ચાર સામે ગુનો –
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા કુંભાભાઈ વેજાણંદભાઈ ચાવડા નામના 65 વર્ષના આહિર વૃદ્ધને આ જ ગામે રહેતા ભીમશી રાજશીભાઈ ચાવડા, રાજશી અરજનભાઈ ચાવડા, વજસી અરજણ ચાવડા અને જાનાબેન રાજશી ચાવડા નામના ચાર વ્યક્તિઓએ કુહાડા વડે તેમને બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી, તેમને માથામાં હેમરેજ તેમજ ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા આ અંગેની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કુંભાભાઈ ચાવડાના ખેતરના રસ્તેથી આરોપીઓ જતા હોય, જેથી તેમણે આરોપીઓને પોતાની વાડીના રસ્તા પરથી નીકળવાની ના કહેતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે જે અંગે કલ્યાણપુર પોલીસે જુદી જુદી કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
ગોઇંજ અને રાવલ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
ખંભાળિયા તાલુકાના ગોઇંજ ગામેથી સલાયા મરીન પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા શબીર હુસેન ભગાડ, સુલતાન જુસબ સંઘાર અને આબિદ ઈકબાલ બારોયા નામના ત્રણ શખ્સોને રૂપિયા 3,100 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
કલ્યાણપુર પોલીસે રાવલ ગામેથી કાના લખમણ મેર, સંજય વીજુ બારીયા, રોહિત દેવા જાદવ અને કેશુ લખમણ મેર નામના ચાર શખ્સોને રૂપિયા 2,560 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન સંજય મોહન જમોડ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)