– ભારે હાલાકીમાં મુકાતા વેપારીઓ અને ગ્રાહકો –
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬
ખંભાળિયા સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રૂ. 5-10 ના સિક્કા તેમજ 10-20 ઉપરાંત 50 રૂપિયાની ચલણી નોટોની બજારમાં ખૂબ જ અછત પ્રવર્તી રહી છે. હાલની પરિસ્થિતિમાં રૂપિયા 10 અને 20 ની ચલણી નોટો ખૂબ જ જર્જરિત તેમજ ચીથડે હાલ ચલણમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ખાસ કરીને શાકભાજી, કરિયાણું, દવા વિગેરેના વેપારીઓ આ નાના ચલણની અછતના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આટલું જ નહીં, બેંકોમાંથી પણ 5, 10 કે 20 ના સિક્કા તેમજ રૂપિયા 10-20 ની નોટો મળતી નથી. અહીંની મહત્વની એવી સ્ટેટ બેંકમાં પણ છેલ્લા ઘણા સમયથી 5, 10 કે 20 રૂપિયાના સિક્કા આપવામાં આવતા નથી. બેંકોમાં સિક્કા તેમજ નાનાદરની મોટો મેળવવા માટે ગ્રાહકો, વેપારીઓને અવારનવાર ફોગટ ફેરા થાય છે. ત્યારે બેંકોની આ નિષ્ક્રિયતાથી નગરજનો અને વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
આ મુદ્દે અહીંના અગ્રણી વેપારી જયસુખભાઈ પીંડારાવારાએ બેંકમાં રજૂઆતો કરી અને શહેરીજનો, વેપારીઓને સિક્કાનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
