ખંભાળિયામાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો, પણ માહોલ હજુ જામતો નથી…– શહેરીજનોમાં નીરસતા: ઉમેદવારોની દોડધામ –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં અગાઉની જેમ જોઈએ તેવો રાજકીય ગરમીભર્યો માહોલ જોવા મળતો નથી. અનેક સ્થળે હજુ કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓના કાર્યાલયો પણ ખુલ્યા નથી. ત્યારે નગરજનો પણ થોડા-ઘણા અંશે આ ચૂંટણી માટે નીરસ હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકા અને સલાયામાં એક બેઠકની પેટા ચૂંટણી માટે આગામી રવિવાર તારીખ 26 ના રોજ મતદાન થનાર છે. ત્યારે આ ચૂંટણીમાં સહભાગી થવા માટે રાષ્ટ્રીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી અને પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષોએ પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જિલ્લામાં ચૂંટણી પૂર્વે જ ખંભાળિયા નગરપાલિકાની 36 પૈકી 5 બેઠક અને ખંભાળિયા તાલુકા પંચાયતમાં બે બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. આ તમામ બિન હરીફ બેઠક ભાજપને ફાળે ગઈ છે. ત્યારે આ વિસ્તારના મતદારોમાં આ બેઠકોને લઈને થોડો કચવાટ પણ છાના ખૂણે સાંભળવા મળી રહ્યો છે.
આ વખતે જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના મજબૂત ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે મતદારોને યેનકેન પ્રકારે રિઝવવા માટે આ ઉમેદવારો તેમજ તેમના નેતાઓ દ્વારા જરૂરી સમજાવટ વિગેરે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને મોટી રાજકીય પાર્ટીઓએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે નેતાઓના વડપણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારકાર્ય શરૂ કર્યું છે. સાથે સાથે જુદા જુદા વિસ્તારોમાં જે-તે ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના ચૂંટણી કાર્યાલયો પણ જોરશોરથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ વચ્ચે અપક્ષ ઉમેદવાર રાજકીય પાર્ટીઓના ઉમેદવારને મતનું નુકસાન ન કરે તે માટે સમજાવટનો દોર પણ હાથ ધરવામાં આવ્યો છે.
જો કે ખંભાળિયા શહેરમાં અનેક વોર્ડમાં કેટલીક રાજકીય પાર્ટીના ચૂંટણી કાર્યાલયો પણ હજુ સુધી ખુલ્યા નથી. પરંતુ ઉમેદવારો દ્વારા માઉથ ટુ માઉથ પબ્લિસિટીને તેમજ ખર્ચને બચાવવાનું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં ભાજપની વિશાળ ટીમ દ્વારા કાર્યાલયોમાં કાર્યકર્તાઓની અવરજવર વધી ગઈ છે અને પ્રચાર સાહિત્ય સાથે ઉમેદવારો તેમજ તેમના પરિજનો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે ચૂંટણી માહોલ જામે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકામાં કેટલાક ઉમેદવારો આખી પેનલના બદલે પોતાનો કે એકાદ-બે સભ્યોનો પ્રચાર કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી કાર્યાલયમાં મતદારોની અવર-જવર વધારવા માટે ચા-નાસ્તાની પાર્ટી પણ કેટલાક સ્થળે શરૂ થઈ ગઈ છે. જેમાં ઉમેદવારો પોતાની યથાશક્તિ ખર્ચ કરે છે.
આ ચૂંટણીમાં રાજકીય પાર્ટી પોતાના તરફે મતદાન થાય તે માટે શહેરમાં વિકાસના ઘટતા મુદ્દાઓને આગળ ધરીને વાયદા-વચન આપીને મત માંગી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં ખંભાળિયા નગરપાલિકામાં જોઈએ તેવી રાજકીય ગરમી જોવા મળતી નથી. પરંતુ ચૂંટણીના અંતિમ દિનોમાં ચૂંટણીનો સાચો રંગ પકડાશે.
