જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર બ્રેક લાગશે અને ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક સહિતના છેલ્લી ઘડીના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.
ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર થયાના પ્રારંભે શુષ્ક અને નીરસ માહોલ જોવા મળ્યો હતો. આ વખતે બે વોર્ડ અને આઠ સભ્યોના વધારા સાથે 36 બેઠક પર ભાજપ તથા કેટલીક બેઠકને બાદ કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે. આ વચ્ચે સમજાવટ અને તોડજોડ એવા પગલાંઓ બાદ નગરપાલિકામાં પાંચ બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. તેથી હવે 31 બેઠક પર આગામી રવિવાર તારીખ 26 એપ્રિલના રોજ સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
હાલ જુદા જુદા વિસ્તારોમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જ્યાં પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો દ્વારા મુલાકાત અને વિવિધ પ્રકારે મતદારોને રિઝવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે હવે છેલ્લા દિવસોમાં જમણવાર તેમજ નાસ્તા પાર્ટી અને ચા-પાણી પણ ચાલુ થઈ ગયા છે. રવિવારે ચૂંટણીના મતદાન પૂર્વે આજે શુક્રવારે સાંજથી જાહેર પ્રચાર પર રોક લગાવવામાં આવશે. જેથી આવે માઈકના ભુંગળા સંભળાતા બંધ થઈ જશે. પરંતુ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવાર મુરતિયાઓ તથા તેમના ટેકેદારો દ્વારા હવે પોતપોતાના વોર્ડમાં જન સંપર્ક તેમજ પેમ્પલેટ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવશે.
– એ.આઈ., સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ –
આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે આ ચૂંટણીમાં ખાસ કરીને ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રચારનો મારો ચલાવવામાં આવ્યો છે. જેમાં એઆઈ તેમજ સોફ્ટવેરની મદદથી આકર્ષક વિડીયો અને ઈમેજથી પ્રચાર કાર્ય પૂરજોશમાં જોવા મળી રહ્યું છે. આ વચ્ચે શનિવારે ઉમેદવારો માટે કતલની રાત જેવા માહોલમાં છેલ્લી ઘડીના સોગઠાબાજી તેમજ દાવપેચ અને યેનકેન પ્રકારે મતદારોને રીઝવવા માટે તમામ જરૂરી પગલાઓ તેમજ નીતિ રીતિ અખત તૈયાર કરવામાં આવે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.
– ચૂંટણી પ્રચારમાં મહત્તમ સંખ્યામાં યુવાઓ દેખાયા –
આ ચૂંટણીમાં ભાજપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ પણ પૂરી તાકાતથી લડત આપી રહ્યું છે. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી હાલ રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન બની રહી છે. ત્યારે આ ચૂંટણી પ્રચાર કાર્યમાં તેમજ પ્રારંભથી અંત સુધી યુવા નેતાઓ તેમજ યુવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં તેમજ પ્રચાર કાર્યમાં વધુ સંખ્યામાં જોવા મળે છે.
– જિલ્લામાં 420 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે 4.51 લાખ મતદારો –
ખંભાળિયા નગરપાલિકાની પાંચ બેઠક અને ખંભાળિયા તાલુકા પંચાયતમાં બે બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે હવે રવિવારે ખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં કુલ 32, તમામ ચાર તાલુકા પંચાયતમાં કુલ 220, સલાયા પેટા ચૂંટણીમાં 3 અને જિલ્લા પંચાયતમાં 65 મળીને કુલ 420 ઉમેદવારોનું ભાવી આ 4.51 લાખ મતદારો નક્કી કરશે.
