અંગ્રેજોના જમાનાનો વીજ ટેલિગ્રામ કાયદો રદ કરવા અને ટાવર દીઠ એક કરોડ વળતરની માંગ સાથે હજારો ટ્રેક્ટરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજાશે
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
ગુજરાતના ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ખેડૂતોની જાગૃતિ માટે એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અનુસાર, ખેડૂતોની મંજૂરી લીધા વિના તેમના ખેતરોમાં વીજ ટાવરો ઊભા કરતી પાવર ગ્રેડ, અદાણી, અંબાણી જેવી મોટી કંપનીઓની ખુલ્લી દાદાગીરી, ધાકધમકી અને પોલીસ તંત્રના જોરે થતા અન્યાય સામે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ અન્યાયના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ તેમજ અન્ય ગામોના ખેડૂતો દ્વારા કિસાન અધિકાર યાત્રા અંતર્ગત એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ભાવનગર જિલ્લાના વીજ ટાવરો, પવનચક્કીઓ અને સોલાર પેનલો સ્થાપતી કંપનીઓના ભાડૂતી ગુંડાઓના ત્રાસથી પીડિત એવા ઘોઘા, સિહોર, તળાજા, મહુવા અને જેસર સહિતના વિવિધ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
આ કિસાન અધિકાર યાત્રા દરમિયાન ખેડૂતોની મુખ્ય અને એકમાત્ર માંગણી એ છે કે અંગ્રેજોના શાસન સમયનો વર્ષ ૧૮૮૫નો વીજ ટેલિગ્રામ કાયદો કાયમી ધોરણે રદ કરવામાં આવે. આ કાળા કાયદાના સ્થાને સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નવો વીજ અધિનિયમ કાયદો મંજૂર કરવામાં આવે તેવી માંગ બુલંદ કરાશે. આ આંદોલનના ભાગરૂપે કચ્છ, મોરબી અને જામનગર જિલ્લાના ખેડૂતો આગામી તારીખ ૧૩ જૂન ૨૦૨૬ના શનિવારના રોજથી પોતાના વિસ્તારોમાંથી પ્રયાણ કરશે. આ તમામ ખેડૂતો રાજકોટ ખાતે રાત્રિ રોકાણ કરીને તારીખ ૧૫ જૂન ૨૦૨૬ના સોમવારે સવારે દસ વાગ્યે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકત્રિત થશે. ત્યાંથી એક હજાર એકસો અગિયાર કરતા પણ વધુ ટ્રેક્ટરો અને આશરે વીસ હજાર જેટલા ખેડૂતોના વિશાળ કાફલા સાથે સોમવારે બપોરે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચીને ધામા નાખશે.
ખેડૂત આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો ભૂતકાળમાં મહારાણા પ્રતાપના હલદીઘાટીના યુદ્ધમાં ઝાલાવાડની ધીંગી ધરાના મર્દ યોદ્ધાઓ ન હોત તો આજે દેશની સ્થિતિ અલગ હોત, તેથી કોઢ સહિતના ગામોના ખેડૂતો હવે સરકાર અને તંત્રને યોગ્ય સબક શીખવશે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વર્તમાન સરકાર, વહીવટી તંત્ર અને ઉદ્યોગપતિઓની નીતિઓ સામે આકરા સવાલો ઉઠાવવામાં આવશે. જે જિલ્લાઓમાં ખેડૂતોની મરજી વિરુદ્ધ વીજ ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યાં પોલીસ અને જિલ્લા કલેક્ટર રાક્ષસી જેવી વૃત્તિ ધરાવતા હોવાના ધગધગતા આરોપો પણ જાહેરમાં મુકાશે. આ કિસાન અધિકાર યાત્રાને કોંગ્રેસ પક્ષના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી, ખેડૂત સમાજના પ્રદેશ પ્રમુખ જયેશભાઈ પટેલ પાલ તેમજ ખેડૂત એસોસિએશનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ઝાલા સહિતના અન્ય અનેક ખેડૂત સંગઠનોના આગેવાનો હાજર રહીને પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કરશે અને તેજાબી વક્તવ્યો આપશે. આ મંચ પરથી ખેડૂતોના નામે રાજકીય રોટલો શેકી લેનારા અને સંકટ સમયે માત્ર ભાજપને મત આપવાની વાતો કરનારા મેલી મુરાદવાળા નેતાઓની વાસ્તવિકતા ખુલ્લી પાડવામાં આવશે. ખેડૂતોના હિત ઈચ્છતા તમામ રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને ધર્મના વડાઓને પણ આ આંદોલનમાં જોડાવા જાહેર આમંત્રણ અપાયું છે.
ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે શહીદ થવા પણ તૈયાર છે અને તે માટે યુદ્ધના રણશિંગા ફૂંકીને સરકાર તેમજ પાવર ગ્રેડ જેવી કંપનીઓ સામે મોરચો માંડશે. ખેડૂતોની મુખ્ય આર્થિક માંગણી એ છે કે વીજ કંપનીઓ વળતર આપ્યા વગર જે ગેરકાયદેસર ટાવરો ઊભા કરે છે તે તદ્દન બંધ થાય અને ખેડૂતોને પ્રતિ વીજ પોલ અથવા ટાવર દીઠ એક કરોડ રૂપિયાનું યોગ્ય વળતર આપવામાં આવે. ખેતરમાં વીજ ટાવર આવવાથી જમીન મૂલ્યહીન બની જાય છે અને ખેડૂત પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, તેથી વીજ કંપનીઓએ દરેક ખેડૂતને વીજ ટાવર દીઠ દર મહિને એક લાખ રૂપિયાનું ભાડું ચૂકવવું જોઈએ. ગુજરાતના લગભગ છવ્વીસ જિલ્લાઓમાં અદાણી, અંબાણી અને પાવર ગ્રેડ જેવી કંપનીઓ વીજ ટાવરો ઊભા કરવાની હોવાથી તારીખ ૧૫ જૂન ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાતભરના તમામ ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરાઈ છે.
ખેડૂત સંગઠનો દ્વારા સરકાર સમક્ષ છ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે, જેમાં સરકારે ચોક્કસ ખેતી નીતિ બનાવવી, ખેતી આયોગની રચના કરવી, ખેતી પંચની નિમણૂક કરવી, સરકારી બજેટની પચાસ ટકા રકમ ખેતી ક્ષેત્ર માટે ફાળવવી, ખેતી ઉપયોગી ગૃહઉદ્યોગોનું નિર્માણ કરવું અને સ્વામિનાથન કમિટીની ભલામણો મુજબ સી ટુ પ્લસ પદ્ધતિથી ખેતપેદાશોના ભાવ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવ નિયંત્રણ બોર્ડની બેઠકોમાં સરકાર પોતાના માનીતા સંગઠનોને સાથે રાખીને જે મનસ્વી નિર્ણયો લે છે તે તાત્કાલિક બંધ કરવા માંગ કરાઈ છે. સરકાર ખેડૂતોને મોટી સહાય આપતી હોવાના દાવા કરે છે છતાં ખેડૂતો દિન-પ્રતિદિન કેમ પાયમાલ થઈ રહ્યા છે તેનું સરકારે આત્મમંથન કરવું જોઈએ તેવું વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત, ભરતસિંહ ઝાલા પ્રદેશ પ્રમુખ ખેડૂત એસોસિએશન સુરેન્દ્રનગર, ગજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ, પ્રવિણભાઈ પઠારીયા કાલાવડ, રામદેવસિહ જાડેજા જિલ્લા પ્રમુખ ખેડૂત એકતા મંચ જામનગર અને નિકુંજસિંહ ઝાલા ભાવનગર સહિતના તમામ આગેવાનોએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.
