
રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ માફિયાઓએ દરિયામાં ફેંકી દીધેલો નશીલા પદાર્થનો જથ્થો તણાઈને કિનારે આવ્યો હોવાની આશંકા,
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદરના દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં મારીઝુઆના હસીસ એટલે કે ચરસનો જથ્થો શોધી કાઢવામાં એસ.ઓ.જી. પોરબંદરને મોટી સફળતા મળી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોલીસ ઇન્સપેકટર એમ. એન. જાડેજાને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરિક રીતે ખોખલો કરવાની બદદાનત સાથે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના અવારનવાર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતત સતર્કતાના લીધે ડ્રગ્સ માફિયાઓ પોતાની આ નાપાક મનેચ્છા પરિપૂર્ણ કરી શકતા નથી, જેના કારણે તેઓએ ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય છે. દરિયામાં ફેંકેલો આ ડ્રગ્સનો જથ્થો પાણીના પ્રવાહમાં તણાઈને કિનારે આવતો હોય છે અને ભૂતકાળમાં પણ પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી આવો જથ્થો મળી આવેલો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે હાર્બર મરીન પોલીસ સ્ટેશનના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહીલ, ભીમાભાઈ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડીયાને ઓડદર ગામના સ્મશાનથી રંગબાઈ મંદિરના વચ્ચેના ભાગે આવેલી દાદીમાના દેશીભાણુ નામની હોટલની પાછળ દરિયા કિનારે જ્યાં પાણીની લહેર પૂરી થાય છે તે જગ્યાએથી મારીઝુઆના હસીસ એટલે કે ચરસના બિનવારસુ પેકેટો મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી કુલ બે નંગ પેકેટ કબજે કર્યા હતા, જેનું કુલ વજન બે કિલો બસો બત્રીસ ગ્રામ થાય છે. આ આંતરરાષ્ટ્રીય માર્કેટના મૂલ્ય મુજબ આશરે રૂપિયા પાંચ લાખ અઠ્ઠાવન હજારની કિંમતનો મારીઝુઆના અને હસીસનો જથ્થો મળી આવતા પોલીસે આ અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર સફળ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓની ટીમમાં પોલીસ ઇન્સપેકટર એમ. એન. જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેબુબખાન બેલીમ, દીપકભાઈ ડાકી, રવીભાઈ ચાઉ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહીલ, મોહિતભાઈ ગોરાણીયા, હરદાસભાઈ ગરચર, ભીમાભાઈ ઓડેદરા, અરજનભાઈ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી તથા ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા જોડાયા હતા. આ તમામ એસ.ઓ.જી. પોરબંદરના સ્ટાફે રાતદિવસ જોયા વગર આ કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ સફળતા બાદ પોરબંદર પોલીસ દ્વારા સામાન્ય જાહેર જનતા તથા ખાસ કરીને પગદંડીયા માછીમાર ભાઈઓને એક નમ્ર અપીલ કરવામાં આવી છે. પોલીસની અપીલ અનુસાર જો દરિયા કિનારે રખડતા-ભટકતા કે માછીમારી કરતી વખતે આવા કોઈ શંકાસ્પદ પેકેટ અથવા અન્ય કોઈ પણ બિનવારસુ ચીજ-વસ્તુઓ નજરે જણાય, તો તેનાથી દૂર રહીને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમના નંબર શૂન્ય બસો છ્યાસી બાવીસ ચાલીસ નવસો બાવીસ ઉપર જાણ કરવી, અથવા કોસ્ટલ સિક્યુરિટીના ટોલ ફ્રી નંબર એક હજાર ત્રાણું ઉપર તુરંત સંપર્ક કરીને પોલીસને સહયોગ આપવો જેથી દેશની સુરક્ષા જળવાઈ રહે.
