
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૫
દ્વારકાના અરબી સમુદ્ર સાથે જોડાયેલ ગોમતી નદીમાં શનિવારે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે એક યુવાન ગોમતી નદીમાં સ્નાન વખતે આંતરિક ઓટની પરિસ્થિતિથી અજાણ હોય, તે દરિયાના વહેણમાં ખેંચાવા લાગ્યો હતો. જેના કારણે તેમની સાથે રહેલ યુવાનોએ બુમાબુમ કરી મૂકી હતી.
આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાએ ત્વરિત પાણીમાં કૂદીને ડૂબતા યુવાનનો આબાદ બચાવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગોમતી નદીમાં ડૂબવાના અને મોતના બનાવો બનતા હોય, નગરપાલિકાએ રેપીડ એકશન માટે ફાળવાયેલી બોટને રાઉન્ડ ધ કલોક ગોમતી ઘાટે રાખવી જોઈએ તેવી માંગ વારંવાર ઉઠી હોવા છતાં પાલીકા દ્વારા ભાગ્યે જ આ બોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)