Headlines

નવા રતનપરમાં સરપંચની ‘ફાકા ફોજદારી’ ફ્લોપ: ૧૧ વાગ્યે પ્રવીણ મકવાણાનું દબાણ તોડવાના બણગા ફૂંકનાર સરપંચ ગૌતમ બારૈયા પોતે જ ‘ગૂમ’, બુલડોઝરના બહાને આબરૂનું ધોવાણ


સરકારી તંત્ર, પોલીસ અને PGVCL સમક્ષ ખોટા સાબિત થયેલા સરપંચે લોકપ્રિયતા ગુમાવી; વિરોધીઓએ અવિશ્વાસની દરખાસ્ત લાવતાં હવે પ્રવીણને ગેરલાયક ઠેરવતાં પહેલાં પોતાની ખુરશી બચાવવાના ફાંફાં

ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર, ભાવનગર
“અભી બોલા, અભી ફોક!” નવા રતનપર ગ્રામ પંચાયતના રાજકારણમાં આજે કંઈક આવો જ ઘાટ ઘડાયો છે. પંચાયતની જમીન પર સદસ્ય પ્રવીણ મકવાણાએ ખડકેલા કથિત ગેરકાયદે શોપિંગ મોલ પર આજે સવારે ૧૧:૦૦ વાગ્યે બુલડોઝર ફેરવી દેવાની મોટી-મોટી વાતો કરનાર અને ગાંધીનગર સુધી દોડાદોડી કર્યાના દાવા કરનાર સરપંચ ગૌતમ બારૈયાનો ફુગ્ગો આજે કાયદાકીય અને વહીવટી મોરચે સદંતર ફૂટી ગયો છે. જે ડિમોલિશનને લઈને આખા જિલ્લામાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો, તેના નિયત સમયે એટલે કે સવારે ૧૧:૦૦ વાગ્યે મોલ તોડવાને બદલે સરપંચ પોતે જ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયા છે. સરપંચની આ ‘ફાકા ફોજદારી’ ગામ આખામાં હાસ્યાસ્પદ સાબિત થઈ છે અને અધિકારીઓથી લઈને સામાન્ય જનતા સમક્ષ તેઓ ઘૂંટણિયે પડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.

૧૧:૦૦ વાગ્યે બુલડોઝર ફરવાનું હતું, પણ સરપંચ પોતે જ ગુમનામ!

અગ્રણી સમાચાર સંસ્થા અને ન્યૂઝ વેબસાઈટ “ધ ગ્રેટ વર્લ્ડ” ના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, આજે સવારે ૧૧:૦૦ વાગ્યે ડિમોલિશન થવાનું હતું, પરંતુ નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ ઘટનાસ્થળે માત્ર ગણગણાટ અને સન્નાટો જોવા મળ્યો હતો. જે શોપિંગ સેન્ટર તોડી પાડવાના દાવા થતા હતા, તે પ્રવીણ મકવાણાની દુકાનો અત્યારે પણ પૂર્વવત ધમધમતી અને ખુલ્લી જોવા મળી રહી છે. દબાણકર્તાના પક્ષે કોઈ જ ચિંતા કે ટેન્શન દેખાતું નથી, જ્યારે મોટા બણગા ફૂંકનાર સરપંચ પોતે જ ગુમનામીના અંધારામાં સરી પડ્યા છે.
આજે સવારે છેલ્લે ૧૧:૧૫ વાગ્યે જ્યારે “ધ ગ્રેટ વર્લ્ડ” ન્યૂઝ વેબસાઈટની ટીમે સરપંચ ગૌતમ બારૈયાનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે અત્યંત લાચાર બહાનું કાઢતાં જણાવ્યું હતું કે,

“જેસીબી/બુલડોઝર વાળા સમયસર હાજર થયા નથી અને હવે તે મારો ફોન ઉપાડતા નથી!”

આ હાસ્યાસ્પદ બહાનું રજૂ કર્યાના ગણતરીના સમયમાં જ સરપંચે પોતે પણ ગામલોકો અને મીડિયાના ફોન ઉપાડવાનું સદંતર બંધ કરી દીધું છે. સવાલ એ ઊભો થાય છે કે જે સરપંચ આખી સરકારી મશીનરી લાવવાના દાવા કરતા હતા, તે એક જેસીબી ચાલક સામે આટલા લાચાર કેવી રીતે થઈ ગયા? કે પછી આ કોઈ આયોજિત પટકથાનો ભાગ છે?

પોલીસ બંદોબસ્ત અને PGVCLના નામે માત્ર ‘હવામાં તીર’

સરપંચ ગૌતમ બારૈયાએ અગાઉ જાહેરાત કરી હતી કે ડિમોલિશન માટે ૭૦ જેટલા હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો ઉતરશે અને જરૂર પડ્યે ભાવનગર એસપી (SP) પોતે હાજર રહેશે. આ ઉપરાંત પીજીવીસીએલ (PGVCL/GEB) ને મીટર ઉતારી લેવા કડક સૂચના અપાઈ હોવાનું કહેવાયું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘટનાસ્થળે વીજ કંપનીનો કોઈ કર્મચારી ફરક્યો સુદ્ધાં નથી. એસપી તો બહુ દૂરની વાત છે, પણ સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ ત્યાં જોવા મળ્યો નથી.
બપોરના ૧:૦૦ વાગ્યા સુધીમાં નવા રતનપર ગ્રામ પંચાયત કચેરીએ માત્ર તલાટી-કમ-મંત્રી પ્રદીપ મહેતા એકલા જ હાજર જોવા મળ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી (TDO) કે તેમના તરફથી કોઈ પ્રતિનિધિ પણ ફરક્યા નથી. સરપંચે સરકારી તંત્રોના નામે માત્ર હવામાં તીર છોડ્યા હોવાનું અને સત્તાવાળાઓ સમક્ષ તેઓ પોતે જ ખોટા સાબિત થયા હોવાનું હવે સૂર્યપ્રકાશ જેટલું સ્પષ્ટ થઈ ગયું છે.

‘પૈસા ખાઈને મામલો ટાળવાનો પેતરો?’ ગામમાં ભારે આક્રોશ

સરપંચની આ પીછેહઠ અને હાસ્યાસ્પદ વલણના કારણે સમગ્ર ગામમાં અને સોશિયલ મીડિયા પર તેમના પ્રત્યે ભારે કટાક્ષ થઈ રહ્યો છે. ગામલોકોમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ, જેસીબી વાળા ફોન નથી ઉપાડતા તેવું બહાનું આગળ ધરીને સરપંચ આગામી દિવસોમાં આ આખોય મુદ્દો ટાળી દેવાના પેતરા રચી રહ્યા છે.
ગામમાં ચર્ચા છે કે, પડદા પાછળ કોઈ મોટો આર્થિક વહીવટ (પૈસા ખાઈ લેવાનું કૌભાંડ) થઈ ગયો હોઈ શકે છે. જો ભ્રષ્ટાચાર થયો હોય, તો જ જનતાને બતાવવા માટે આવું મોટું તતડ ઊભું કરવું પડે અને પછી ‘બીજાના વાંકે કામ ન થયું’ તેવી બનાવટ કરવી પડે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જો આ ચર્ચા સાચી હશે, તો આગામી દિવસોમાં સરપંચનું પોતાનું જ એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે. આ ઘટનાથી સરપંચની લોકપ્રિયતાનો ગ્રાફ એકદમ તળિયે બેસી ગયો છે અને જનતામાં તેમનું માન-સન્માન ધોવાઈ ગયું છે.

રાજકીય મનોવિજ્ઞાન: “પોલીસે હવે સરપંચને શોધવા જોઈએ!”

આ સમગ્ર મામલે રાજકીય મનોવિજ્ઞાનના તજજ્ઞો એક અત્યંત ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે. વિશ્લેષકોનું કહેવું છે કે, જે સરપંચ ૭૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત લાવવાની ગુલબાંગો હાંકતા હતા, તે પોતે જ અચાનક ગાયબ થઈ જાય અને ફોન બંધ કરી દે, તો પોલીસે સામે ચાલીને સરપંચને શોધવા જોઈએ. આવી પરિસ્થિતિમાં જ્યારે તીવ્ર રાજકીય અભરખાઓ પૂરા ન થાય અને સાર્વજનિક સ્તરે આબરૂના ધજાગરા ઉડે, ત્યારે આવી વ્યક્તિ ભારે આઘાતમાં સરી પડીને પોતાને જ કોઈ નુકસાન (આત્મઘાતી પગલું) ન કરી બેસે તે જોવાની જવાબદારી પોલીસની બને છે.
આ શંકા એટલા માટે પણ વાજબી ઠરે છે કારણ કે અગાઉ જ્યારે પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત પર બેઠક યોજાવાની હતી, ત્યારે સરપંચ ગૌતમે પોતાના કાકાને ગેરહાજર રાખવા માટે આ જ પ્રકારની કોઈ આત્મનુકસાન કરવાની ધમકી આપી હોવાની ચર્ચા ઉઠી હતી. તેથી, સદસ્ય પ્રવીણ મકવાણાનું નુકસાન કરવાની બદદાનત રાખનાર સરપંચ ગૌતમ બારૈયા પોતાના જ અહંકાર અને આબરૂ જવાના ડરથી પોતાને કોઈ નુકસાન ન કરી બેસે, તે બાબતને પણ પોલીસે તપાસના દાયરામાં લેવી જોઈએ.

વિરોધીઓનો માસ્ટરસ્ટ્રોક: ખુરશી બચાવવા અઠવાડિયાની મહોલત

સરપંચ માટે એક તરફ ગામમાં મોઢું દેખાડવું અઘરું થઈ પડ્યું છે, ત્યારે બીજી તરફ પંચાયતના વિરોધી જૂથ અને સદસ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને મોટો માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર, આ દરખાસ્ત અન્વયે સરપંચે આગામી એક સપ્તાહની અંદર જ પંચાયત બોડીની ખાસ બેઠક બોલાવવી પડશે અને તેમાં બહુમતી સદસ્યોનો મત મેળવીને પોતાની સત્તા સાબિત કરવી પડશે.
નવા રતનપરના રાજકીય સમીકરણો જોતાં સ્પષ્ટ જણાય છે કે, સરપંચ ગૌતમ બારૈયા પોતાના વિરોધી સદસ્ય પ્રવીણ મકવાણાને પંચાયતમાંથી ગેરલાયક ઠરાવવા નીકળ્યા હતા, પરંતુ કાનૂની દાવપેચ અને પોતાના જ ભ્રષ્ટાચારી/નિષ્ફળ વલણને કારણે તેઓ પોતે જ આગામી એક સપ્તાહમાં સરપંચ પદેથી ગેરલાયક થઈને ઘરભેગા થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. સમગ્ર નવા રતનપરની જનતા હાલ સરપંચની આ સત્તાવાર શરણાગતિ અને આગામી દિવસોમાં ખુલ્લા પડનારા કૌભાંડોની સચ્ચાઈ જાણવા માટે ભારે ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *