Headlines

પોરબંદર મહાનગરપાલિકાની લાલ આંખ: પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા ૧૩ વેપારીઓ દંડાયા

સ્વચ્છતા અભિયાન હેઠળ ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ અને જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

​પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણના સંરક્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઈન્સ્પેક્ટર તેમજ સુપરવાઇઝરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા અને વેચતા કુલ ૧૩ વેપારીઓ પકડાયા હતા, જેમની પાસેથી કુલ ૩,૭૦૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને ૫.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

​પ્લાસ્ટિકના વેચાણ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવનારા અને જાહેર રસ્તાઓ પર ઘાસચારો વેચનારા શખ્સો સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંદકી કરનાર અને ઘાસચારો વેચનાર કુલ ૩ વ્યક્તિઓ પાસેથી ૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિક બેગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જો કોઈ પણ વ્યક્તિ કે વેપારી આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

​મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે. નાગરિકોને હંમેશા કચરો કચરાપેટીમાં જ એકઠો કરી તેને ડોર ટુ ડોર વાહનમાં જ નાખવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો તેની પાસેથી ૧૦૦ રૂપિયાથી લઈને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને સહયોગ આપવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *