
GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ
ભાવનગર
GETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક જ ભરતી અટકાવી દેવાતાં ઉમેદવારો ના જીવ તાળવે ચોંટી ગયા છે.
જાણવા મળતી માહિતી અનુસાર અમુક વિધ્યુત યુનિયનોએ ભરતી અટકાવવીને રદ કરાવવા ભરતી જાહેરાત થી જ કંપની અને ગુજરાત સરકાર પર દબાણ કરવાનું શરુ કરી દીધુ હતું છતાં એ દબાણ ને અવગણી કંપનીએ લગભગ બધી પ્રોસેસ પૂરી કરી હતી પણ ઓર્ડર આપવાના સમયેજ ગાંધીનગરથી ભરતી અટકાવતા ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. બે પાડા લડે એમાં ઝાડની ખો નિકળે એ કહેવત મુજબ કંપની, યુનિયન, EPD ના વિવાદ મા નિર્દોષ ઉમેદવારોની ખો નીકળી રહી છે.
ઉમેદવારો એ જણાવ્યું હતું કે તેઓએ GETCO, પેરેન્ટ કંપની GUVNL મા રજૂઆત કરી હતી પણ ભરતી ગાંધીનગર એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્રારા અટકાવવામાં આવી છે એવી જાણ થતાં તેમણે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને માનનીય મુખ્યમંત્રી l ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી. પણ સંતોષકારક જવાબ ના મળતાં ઉમેદવારો આઘાતની સ્થિતિ મા છે.
વધુમાં ઉમેદવારો એ જણાવ્યું હતું કે સર્કલ ચોઈસ પછી ફક્ત ઓર્ડર કાઢવાની પ્રક્રિયાજ બાકી રહેતી હોઈ તેમણે પોતાની ચાલુ નોકરીઓમાંથી નોટિસ પિરિયડ ને અવગણવા રાજીનામું આપી દીધું હતું. જેથી હાલમા તેઓ બેરોજગાર છે અને આર્થિક ભીંસમાં છે. ઘણા ઉમેદવારોએ સિલેક્શન પછી પોલિસ ભરતી અને અન્ય ભરતી પણ જવા દીધી હતી. ભરતી રદ્ થશેતો ઉમેદવારો ને માનસિક, આર્થિક, સામાજિક અને પારિવારિક રીતે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
નોંધનીય છે કે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેર મંચથી “સરકારી નોકરી મા જેટલી જગ્યા ખાલી છે બધી ભરી દો” એવુ કમિટમેન્ટ આપ્યું હતું. આ ભરતી રદ થશે તો તેમના આ કમિટમેન્ટનો પણ સાથે ફિઆસ્કો થઈ જશે એવુ ચર્ચાય રહ્યું છે.