Friday August 08, 2025

બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલીશનના પાંચમા દિવસે અવિરત: કુલ રૂ. 54 કરોડથી વધુના દબાણો ધ્વસ્ત કરાયા

  • દાયકાઓથી કરાયેલા અનેક દબાણો દૂર કરાયા- હાલાર પંથકમાં દબાણ ઝુંબેશ અંગે રેન્જ આઈ.જી. અશોક યાદવ દ્વારા વિગતો અપાઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૫

  દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણકર્તા ભૂમાફિયાઓને ભરી પીવા તંત્રએ કમર કસી છે. ત્યારે ગત શનિવારથી હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલેશન પાર્ટ - 2 માં પ્રાંત અધિકારી તેમજ પોલીસ અધિક્ષકની ડિમોલિશનની સંયુક્ત કાર્યવાહીમાં આજે બુધવારે પાંચમા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશને કામગીરી ચાલુ રહી હતી. જેમાં ગઈકાલે મંગળવારે ચોથા દિવસે ઓખામાં આવેલી દામજી જેટી પાસે જેસીબી મશીનો વાળવામાં આવ્યા હતા.
      આ જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી રહેલા અનધિકૃત દબાણને હટાવવામાં આવ્યા હતા. આ જેટી પાસેના વિસ્તારમાં 5650 સ્ક્વેર મીટર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેની કિંમત આશરે 6.50 કરોડ જેટલી ગણવામાં આવી રહી છે. કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા જે-તે આસામીઓને ધોરણસર નોટિસો આપાયા બાદ મંગળવારે દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી હતી.
  આ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દામજી જેટી ઓખામાં આશરે 6 કરોડની કિંમતની 8000 ચોરસ મીટર જમીન પરના સાત દબાણો તેમજ પંચવટી વિસ્તારમાં ત્રણ અન્ય, બાલાપર ગામમાં 20 મકાન તેમજ હનુમાન દાંડી રોડ પર જુદા જુદા વિસ્તારોમાં મકાન પર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહીમાં એક દિવસમાં 39 રહેણાંક, 7 કોમર્શિયલ અને 3 અન્ય માળી કુલ 49 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે એક દિવસમાં કુલ રૂપિયા 12.55 કરોડની કિંમતની 22,638 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
  • બુધવારે બેટના પાર વિસ્તારમાં દબાણો દૂર કરાયા – બેટ દ્વારકામાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં બાલાપર, ઓખા અને દામજી જેટી વિગેરે વિસ્તારોમાં કરાયેલા સફાયા બાદ આજરોજ બેટના પાર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આજે સવારથી હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં રહેણાંક, કોમર્શિયલ સહિતના સ્ટ્રક્ચર દૂર કરાયા હતા. આશરે 26,332 ચોરસ મીટર આ ગેરકાયદેસર બાંધકામની અંદાજિત કિંમત રૂપિયા સવા સાત કરોડ જેટલી આંકવામાં આવી છે. છેલ્લા બે દિવસના સમયગાળામાં વધુ રૂપિયા 20 કરોડ જેટલી કિંમતની સરકારી જમીન પરના દબાણો ખુલ્લા કરાવવામાં આવ્યા છે. આજ સુધીમાં રૂ. 54.45 કરોડની બજાર કિંમતની એક લાખથી વધુ ચોરસ મીટર જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે.
  • અનેક દબાણો 25 થી 40 વર્ષ જૂના: જવાબદાર કોણ..? – બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં એક સામાન્ય પ્રશ્ન ભારે ચર્ચામાં છે કે અનેક દબાણો અંદાજિત અઢીથી ચાર દાયકા જુના હતા. જેમાં નગરપાલિકાના નળ જોડાણ, વીજ જોડાણ વિગેરે પણ મળી ચૂક્યા હતા. તો આટલા વર્ષો સુધી સ્થાનિક તંત્ર શું ઊંઘતું રહ્યું? કે ભાગ બટાઈમાં સામેલ હતા? તેવો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
    સરકારના પરિપત્ર મુજબ નાના ગામમાં પણ જમીન દબાણ ન થાય અને સરકારી જમીનો અને ગૌચર બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી સ્થાનિક તલાટી મંત્રીની હોય છે. તો લાખો ચોરસ ફૂટ જગ્યા પર દબાણ કઈ રીતે શક્ય બને તે પણ વિચારવાનો વિષય છે.
    બેટ દ્વારકા પંથકમાં ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ દેખરેખ હેઠળ ચાલી રહી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. આ કામગીરીનું જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. જેને ગૃહ રાજ્યમંત્રીએ પણ બિરદાવી છે.
  • દ્વારકા અને જામનગર જિલ્લામાં દબાણ હટાવ ઝુંબેશ અંગે રેન્જ આઈ.જી. દ્વારા માહિતી – છેલ્લા પાંચ દિવસથી દ્વારકા અને જામનગર જિલ્લામાં અનધિકૃત દબાણ દૂર કરવાની ચાલી રહેલી કામગીરી સંદર્ભે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે હાલાર પંથકમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે. ત્યારે અહીંના કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામુદ્રિક અને આંતરિક સુરક્ષા માટે અતિ સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 51 અલગ અલગ જગ્યાએ લેન્ડિંગ પોઇન્ટ છે. બંને જિલ્લામાં 35 જેટલા ટાપુઓ સાથેની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સરકાર દ્વારા સઘન ઝુંબેશ આદરવામાં આવી છે. ટાપુનો વિસ્તાર સમગ્ર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોય અને અહીં દુશ્મન દેશની સીમાઓ પણ લગત આવેલી હોય, આ વિસ્તારની સુરક્ષાનું મહત્વ વધી જાય છે.
    જામનગર નજીકના પીરોટન ટાપુમાં બે દિવસ પૂર્વે 9 જેટલા ધાર્મિક દબાણો સરકાર દ્વારા દૂર કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 23 જેટલા ટાપુઓ ધરાવતા વિશાળ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત તારીખ 11 મી થી અનધિકૃત દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં તમામ ગેરકાયદેસર રહેણાંક અને ધાર્મિક દબાણો દૂર કરવા માટેની મેગા ડ્રાઈવ હાલ ચાલી રહી છે. જે મહત્વપૂર્ણ બની રહેશે.
    અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના સમયમાં વર્ષોમાં દુશ્મન દેશો દ્વારા આ માર્ગેથી જ ડ્રગ્સ, હથિયાર વિગેરેની હેરાફેરી તેમજ ગેરકાયદેસર જાલી નોટો ઘુસાડવાના ષડયંત્ર પણ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે અહીંના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે હાલ આ ઝુંબેશ મહત્વની બની રહી છે તેમ રેન્જ આઈ.જી.એ વધુમાં ઉમેર્યું હતું. બેટ દ્વારકામાં હાલ દબાણ હટાવ ઝુંબેશ અંતિમ ચરણમાં હોવાનું છે. ત્યારે હવે આગામી દિવસોમાં કોરિડોર પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોને અનુલક્ષીને દ્વારકા શહેર વિસ્તારમાં પણ દબાણ હટાવ અંગેનું મેગા ઓપરેશન શરૂ થાય તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હાલ આ સમગ્ર કાર્યવાહી ઐતિહાસિક અને રેકોર્ડ રૂપ બની રહી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top