
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને શેરબજારમાં રોકાણની લાલચ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં રહેતા એક શખ્સને દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને ફોન મારફતે સંપર્ક કરી અને એક શખ્સ દ્વારા રોકાણ તથા પ્રોફિટની લાલચ આપીને રૂપિયા 37,997 ની છેતરપિંડી આચર્યાનો બનાવ અહીંની સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયો હતો.
આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા વિવિધ દિશાઓમાં કાર્યવાહી કરી, અને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડસઈ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રણજીતસિંહ ઈશ્વરસિંહ ઠાકોર નામના 22 વર્ષના શખ્સને દબોચી લીધો હતો.
આ પ્રકરણમાં વધુ જાહેર થયેલી વિગત મુજબ આરોપી રણજીતસિંહ ઠાકોર ફક્ત આઠ ચોપડી ભણેલો છે અને તેણે ઓનલાઈન શેર બજારમાં ટ્રેડિંગ કરાવતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફોટા અને વિડીયો ડાઉનલોડ કરી અને તે ફોટા તથા વિડિયોનો ઉપયોગ કરીને ચોક્કસ નામથી ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. પોતે ટ્રેનર હોવાની ખોટી ઓળખ આપીને શેરબજારમાં ટ્રેડિંગ કરી, ડબલ રૂપિયા કરવાની લોભામણી લાલચ આપીને અલગ અલગ ચાર્જના નામે ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. આ પ્રકારે આરોપીએ છેતરપિંડી આચરી હોવાની તેણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ સ્ટાફના એન.એસ. ગોહિલ, મુકેશભાઈ કેસરિયા, હેભાભાઈ ચાવડા, અજયભાઈ વાઘેલા, દિવ્યરાજસિંહ ઝાલા અને નાગાજણભાઈ કારીયા દ્વારા કરવામાં આવી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)