જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫
ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પુનમબેન લક્ષ્મીસિંગ ચૌહાણ (ઉ.વ. 45) એ અહીંની પોલીસને કરી છે.
____________________________________________________________________________
ખંભાળિયામાં બીમારીગ્રસ્ત વૃદ્ધાનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે રહેતા વનીતાબેન હસમુખભાઈ જાખરીયા નામના 60 વર્ષના મહિલાને છેલ્લા આશરે દોઢેક દાયકાથી બી.પી.ની તકલીફ હોય, જે વચ્ચે તેઓ રવિવારે સાંજના સમયે એકાએક મૂર્છિત થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવવા અંગેની જાણ મૃતકના પતિ હસમુખભાઈ ખેતશીભાઈ જાખરીયાએ અહીંની પોલીસને કરી છે.
____________________________________________________________________________
ખંભાળિયા નજીક ઈક્કો કારનો અકસ્માત: મુસાફરો ઘવાયા
ભાણવડ નજીકના જામ રોજીવાડા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક થઈ રહેલી જી.જે. 25 યુ. 6790 નંબરની એક ઈક્કો મોટરકારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલી અન્ય એક ઈક્કો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે આ ઈક્કો મોટરકારમાં જઈ રહેલા નૂરમામદભાઈ હસમભાઈ હિંગોરા (ઉ.વ. 49, રહે. જામ રોજીવાડા) તેમજ તેમના પરિવારજનોને સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસે નૂરમામદભાઈ હિંગોરાની ફરિયાદ પરથી 6790 નંબરની ઈક્કો મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
મોવાણનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા નુંઘા માલદે બુચડ નામના 38 વર્ષના ગઢવી શખ્સને કલ્યાણપુર પોલીસે ધુમથર ગામેથી રૂ. 8,000 ની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
