
નારન બારૈયા, નવા રતનપર, 14 ફેબ્રુઆરી 2026
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગત તારીખ 25 5 25 ના રોજ બનેલી ઘટના અંગે લગભગ દોઢ મહિના પછી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ હાલના સરપંચ ગૌતમ બારૈયાએ ભૂતકાળના સરપંચ રમેશ ગોહિલ સામે પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો દઈ, થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની તપાસ ડીવાયએસપી રીમાબેન ઝાલા ને સોંપવામાં આવી છે અને પોલીસે તપાસ ચક્ર ગતિમાન કરી દીધા છે. પોલીસ સ્થળ પરનું પંચનામું કરશે અને બનાવ વાળી જગ્યાએ પણ જરૂરી તપાસ કરશે અને આ સાથે વહેલામાં વહેલી તકે આરોપી રમેશ ગોહિલને ઝડપી લેશે. આ ફરિયાદ થતાંની સાથે જ નવા રતનપરના રાજકારણમાં ખળભળાટ તો મચી ગયો છે પરંતુ ફરિયાદ સમયસર થવાને બદલે મોડી થવાના કારણે તેમજ ફરિયાદ કરવાનું જે કારણ ફરિયાદી ગૌતમ બારૈયાએ દર્શાવ્યું છે તેના કારણે ન્યાય પ્રક્રિયામાં આરોપી માજી સરપંચ રમેશ ગોહિલને જે કંઈ નુકસાન થાય તેના કરતાં ફરિયાદી સરપંચ ગૌતમ બારૈયાને વધુ નુકસાન થાય તેવી સંભાવના ઉપસ્થિત થઈ ગઈ છે. કારણ કે બનાવ બન્યો ત્યારે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ તેણે પોતાની સામે અવિશ્વાસની દરખાસ્ત આવ્યા પછી પોતાનું સરપંચ પદ ડગમગતું જોયા પછી ફરિયાદ નોંધાવી છે. તેનાથી પોતાને થયેલા અન્યાય કરતા પોતાનું રાજકીય હિત ફરિયાદ પાછળ જવાબદાર હોવાનું અને આ એક પોલિટિકલ કમ્પ્લેન હોવાનું સપાટી ઉપર ચર્ચામાં આવ્યું છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નવા રતનપર ગામના હાલના સરપંચ ગૌતમભાઈ હિંમતભાઈ રામજીભાઈ બારેયા (જાતે-વાલ્મિકી/અનુસુચિત જાતી ઉવ-૨૩ ધંધો-મજુરી રહે- નવા રતનપર ગામ પાદર વિસ્તાર પંચાયત ઓફિસની બાજુમાં તા-જી ભાવનગર હાલ રહે-અકવાડા ગુરુકુળ પાછળ ચંદ્રોદય પાર્ક, ગેઇટ નં-૧ ભાવનગર)એ નવા રતનપરના ભૂતપૂર્વ સરપંચ રમેશભાઈ વશરામભાઈ ગોહિલ (રહે. નવા રતનપર) વિરુદ્ધમાં બીએનએસ 115(1), 352, 351(3) અને એટ્રોસિટી એક્ટ 3(1)(r),3(1)(s),3(2)(va) મુજબ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે – “હું નવા રતનપર ગામના સરપંચ તરીકે ૨૫/૫/૨૦૨૫ના રોજ ચુંટાઈને આવેલો છું. અને મારા માતા-પિતા ભાવનગર મુકામે રહે છે. અને મારી માતા ભાવનગર મહાનગર પાલીમાં સફાઈ કામદાર તરીકે સરકારી કર્મચારી છે. અમો બે ભાઈ ઈઓ છીએ. જેમાં મોટા અલ્પેશભાઈ હીમંતભાઈ બારેયા છે. જેની ઉવ-૨૫ છે. એનાથી હું નાનો છું. હું ધોરણ -૧૦ સુ
ગઈ તા-૨૩/૧૨/૨૦૨૫ ના સાંજના ૬:૦૦ વાગ્યાના સુમારે હું નવારતનપર ગ્રામ પંચાયત ઓફિસે હાજર હતો તે દરમ્યાન નવારતનપર ગામના માજી સરપંચ રમેશભાઈ વશરામભાઈ ગોહીલ (રહે- નવા રતનપર ગામ તા-જી.ભાવનગર) ગ્રામ પંચાયત ઓફિસની અંદર આવેલા અને નવા રતનપર ગામે ગ્રામ પંચાયત હસ્તક પંદરમાં નાણાપંચ મુજબનુ બ્લોક પાથર વાનું કામ પ્લોટ નં-ર દશામાં વાળી શેરી મફતનગર ખાતે ચાલુ હોય અને ત્યાં આ રમેશભાઈના ભાઈ કાળુભાઈનુ રહેણાંં મકાન આવેલ હોય અને તેનુ ઘર ફરતે વાળેલ વાડમાં દબાણ કરેલ હોય જે તે દબાણ હટાવી લેવા કાળુભાઈને મૌખિકમાં કહેલ હોય કે તમો જે જગ્યાએ બ્લોક નાખો છો તે જગ્યાએ દબાણ દુર નહી થાય અને હજુ પણ દબાણ કરવામાં આવશે તારે થાય કરી લેજે અને તેમ કહી મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ અને મારો કાઢલો પકડી મને પંચાયત ઓફિસની બહાર જાહેર જગ્યામાં મારા ગાલ ઉપર એક લાફો મારી દીધેલ અને મને બેકામ ભુંડા બોલી ગાળો આપી મારી જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી મને કહેલ કે તુ મારા વિરોધ એટ્રોસીટીની ફરિયાદ કરીશ તો તેને જાણથી મારી નાંખીશ તેવી મને ધમકી આપેલ હતી. આ વખતે ત્યાં મારા કાકા ભુપતભાઈ રામજીભાઈ બારેયા તેમજ મારા કુટુંબી દાદા મગનભાઈ બારૈયા હાજર હોય જેઓએ મને વચ્ચે પડી આ રમેશભાઈથી છોડાવી મને મારા ઘર તરફ લઈ ગયેલ હતા. આ પછી આ રમેશભાઈની બીકના લીધે બે દિવસ હું ગુજરાત રાજય બહાર ચાલ્યો ગયો હતો.
આ બનાવનું કારણ એવું છે કે હું નવારતનપર ગામના સરપંચ તરીકે નવા રતનપર ગામે ગ્રામ પંચાયત હસ્તક પંદરમાં નાણાપંચ મુજબનુ બ્લોક પાથરવાનુ કામ નવા રતનપર ગામે પ્લોટ નં-ર દશામાં વાળી શેરી મફતનગર ખાતે ચાલુ હોય અને ત્યાં આ રમેશભાઈ વશરામભાઈ ગોહિલના ભાઈ કાળુભાઈએ તેના રહેણાંં મકાન ફરતે વાળેલ વાડમાં દબાણ કરેલ હોય જે તે દબાણ હટાવી લેવા કાળુભાઈને મૌખિકમાં કહેતા આ રમેશભાઈ વશરામભાઈ ગોહિલને સારું નહીં લાગતાં તેની દાજ રાખી મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મારી કાઢલો પકડી મને ગાલ ઉપર લાફો મારી ભુંડાબોલી ગાળો આપી મારી જ્ઞાતિ વિશે અપશબ્દો બોલી મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેની સામે મને સરપંચ દરજ્જાના કારણ કે ફરિયાદ નહીં કરવા સમજાવેલ હોય પરંતુ આ રમેશભાઈ વશરામભાઈ ગોહિલની ચડામણીથી મારી પેનલના સભ્યો એ મારી વિરુદ્ધ તાલુકો વિકાસ અધિકારી ભાવનગર સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત કરેલ હોય જેથી આજરોજ હું અહી ઘોઘા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલો છું.”
આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી પીએસઆઇ એમ. એન. ચાવડાની રૂબરૂમાં ગુનો દાખલ થતાં આ અંગે ડીવાયએસપી રીમાબેન ઝાલા તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ હવે પછી ગમે ત્યારે સ્થળ પર પંચનામું પણ કરશે અને પૂર્વ સરપંચ રમેશ ગોહિલની આરોપી તરીકે ધરપકડ પણ કરશે.

એફઆઇઆર એનાલિસિસ:
મોડી ફરિયાદ અને ફરિયાદના કારણથી સરપંચ ગૌતમ બારૈયાની ઇમેજ ખરાબ થશે
સરપંચ ગૌતમ બારૈયાએ જે ફરિયાદ નોંધાવી છે તેનાથી પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા આરોપી રમેશ ગોહિલ સામે લાગુ પડતી કાર્યવાહી જરૂર થશે પરંતુ એનાથી સરપંચ ગૌતમ બારૈયાને પોતે જે હેતુથી ફરિયાદ નોંધાવી છે તે હેતુથી કોઈ જ ફાયદો થવાનો નથી. તેનું કારણ એ છે કે તેણે ફરિયાદ બનાવ બન્યો ત્યારે નહીં પરંતુ જ્યારે તેની સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને તેને એવું જાણવા મળ્યું કે આ અવિશ્વાસની દરખાસ્ત પાછળ પણ માજી સરપંચ રમેશ ગોહિલનો હાથ છે. અને તેના કારણે તેની દાજ રાખીને ભૂતકાળનો પ્રસંગ તાજો કરીને તેની સામે વિડિયો ફૂટેજના આધાર પર ફરિયાદ નોંધાવી છે. ગૌતમ પાસે બનેલી ઘટનાનો ઓડિયો વિઝ્યુઅલ આધાર છે તેના કારણે પોલીસને ફરિયાદ લેવી જ પડે. તેથી પોલીસે ફરિયાદ લીધી છે અને ધરપકડ સહિતની કાર્યવાહી પણ રમેશ સામે થશે પરંતુ સરપંચ ગૌતમ બારૈયા એ ફરિયાદમાં જ એમ જણાવી દીધું છે કે પોતાની સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત પાછળ રમેશ ગોહિલની ચડામણી છે. આનો અર્થ એ થયો કે જો તેની સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ ન હોત તો સરપંચ ગૌતમ બારૈયા ફરિયાદ કરવાના ન હતા. રમેશ ગોહિલ ના ભાઈ કાળુભાઈ ગોહિલ ના મકાન પાસે થયેલ દબાણ હટાવવાના મુદ્દે ગૌતમ બારૈયાને રમેશ ગોહિલે ગાળાગાળી લાફા વાળી અને ધમકી વાળી કરી હતી તેથી રમેશે જ પડદા પાછળ રહીને બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે અવિશ્વાસની દરખાસ્ત કરાવી હોય તે વાત સાંયોગિક આધાર બનતી હોવા છતાં સમગ્ર અવિશ્વાસની દરખાસ્ત લાવનાર તો પંચાયતના સભ્યો જ છે. તેમાં રમેશ ગોહિલનું નામ ક્યાંય સપાટી ઉપર આવતું નથી. અને રમેશ ગોહિલને અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો કોઈ સીધો અધિકાર પણ નથી. તેથી અવિશ્વાસની દરખાસ્ત લાવનારા તો રમેશ ગોહિલનો સાથ હોય કે ન હોય પોતાના મુદ્દા ઉપર અડગ જ રહેવાના છે. તેથી માજી સરપંચ રમેશ ગોહિલ સામે કરેલી ફરિયાદ થી અવિશ્વાસની દરખાસ્તમાં પણ સરપંચ તરીકે ટકી રહેવામાં ગૌતમ બારૈયાને કોઈ જ ફાયદો થવાનો નથી. માજી સરપંચ રમેશ ગોહિલ પોલીસ કસ્ટડીમાં જાય કે જ્યુડિશિયલ કસ્ટડી (જેલહવાલે) થાય, એનાથી ડરીને અવિશ્વાસની દરખાસ્ત લાવનારા સભ્યો પોતાની દરખાસ્ત પાછી ખેંચી લેવાના નથી. ઉલટાના દરખાસ્તકારો ગૌતમ બારૈયાને સરપંચ પદેથી હટાવવાના ઇરાદામાં વધુ મક્કમ બનશે. અવિશ્વાસ દરખાસ્ત ની બેઠક પૂર્વે જો કોઈ સદસ્ય ગેરલાયક ઠરે એટલે કે મત આપવા માટે અયોગ્ય ઠરે અથવા પોતાની તરફેણમાં આવી જાય તો જ અવિશ્વાસની દરખાસ્તમાં ગૌતમ બારૈયા પોતાનો સરપંચ તરીકેનો હોદ્દો સલામત રાખી શકે. ફરિયાદ કરવાથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર કે પ્રસ્તાવિત બેઠકમાં તેની વિરુદ્ધમાં મત આપનાર ગેરલાયક એક ઠરી જવાના નથી. તેથી આ ફરિયાદથી સરપંચ ગૌતમ બારૈયાને ફાયદા કરતાં નુકસાન વધુ છે. મોડી ફરિયાદથી ગૌતમની ઇમેજ ગામમાં અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં પણ ખરાબ થશે કારણ કે લોકો અને અધિકારીઓ એમ માનવા લાગશે કે સરપંચ જ્યારે ઘટના બને છે ત્યારે ફરિયાદ નોંધાવતા નથી પરંતુ જ્યારે પોતાના પર પ્રેશર આવે છે ત્યારે રાજકીય ઈરાદાથી ફરિયાદ કરે છે. વળી તેની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર સભ્યોમાંથી એક સભ્ય તાત્કાલિક અને બીજા એક મહિલા સભ્ય અમુક ચોક્કસ પ્રક્રિયા પછી ગેરલાયક ઠરી શકે તેમ છે પરંતુ તેને પણ સમયસર ઓફિસિયલી ગેરલાયક ઠેરવવામાં સરપંચ બારૈયા નિષ્ફળ જશે તો તેને હોદ્દા પરથી દૂર કરવામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારા સભ્યોનું જૂથ સફળ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

