જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬
ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પુખરાજસિંહ ઉદયસિંહ રાવત નામના 48 વર્ષના યુવાન પોતાના આર.જે. 36 એસ.વી. 9375 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરી આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેથી બાઇક ચાલક પુખરાજસિંહ રાવતને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મદનસિંહ ઉદયસિંહ રાવત (ઉ.વ. 38) એ અહીંની પોલીસને કરી છે.
_____________________________________________________________________________
દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા બાલુભા ઓઘડભા નાયાણી નામના હિન્દુ વાઘેર યુવાને મંગળવારે સાંજના સમયે શિવરાજપુર વિસ્તારમાં આવેલી એક દરગાહના વડલે પોતાની ચાદરથી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પુંજાભા ઉર્ફે લાલો ઓઘડભા નાયાણીએ દ્વારકા પોલીસને કરી છે.
_____________________________________________________________________________
દ્વારકાની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ
દ્વારકાના પોલીસ લાઈન વિસ્તારમાં હાલ રહેતી અને મૂળજીભાઈ સોલંકીની 39 વર્ષની પરિણીત પુત્રી સરોજબેન પ્રિતેશભાઈ ચાવડાને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટ ખાતે રહેતા તેમના પતિ પ્રિતેશ મૂળજીભાઈ ચાવડા, સસરા મૂળજીભાઈ તથા નણંદ સ્વાતિબેન જીગ્નેશભાઈ દેલવાડીયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તેણીના લગ્નથી દરમિયાન શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આટલું જ નહીં સાસરિયાંઓ દ્વારા વિવિધ પ્રકારે દહેજની માંગણી કરી, ઝઘડો કરી, પરેશાન કરવા સબબ દ્વારકા પોલીસે પતિ, સસરા તેમજ નણંદ સામે સ્ત્રી અત્યાચાર તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયા નજીક કારની ઠોકરે મામા-ભાણેજ ઈજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના કોટા ગામે રહેતા હુસેનભાઈ જુમાભાઈ ખીરા નામના 70 વર્ષના વૃદ્ધ તેમની સાથે તેમના ભાણેજને લઈને જી.જે. 10 બી.એન. 8606 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અહીંના નગર ગેઈટ વિસ્તારમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 37 જે. 6349 નંબરની એક ટાટા હેરિયર મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે ખંભાળિયા પોલીસે હુસેનભાઈની ફરિયાદ પરથી ટાટા હેરિયર કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
_____________________________________________________________________________
દ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં રહેતા ભુરાભા ધાંધાભા કાનાભા સુમણીયા નામના 42 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 13,200 ની કિંમતની વિદેશી દારૂની 12 બોટલ સાથે ઝડપી લીધો હતો.
દારૂનો આ જથ્થો તેણે રાણાવાવ વિસ્તારના રહીશ બાધા કોડીયાતર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી.
_____________________________________________________________________________
ભાણવડમાં ત્રણ જુગારીઓ ઝડપાયા
ભાણવડના તકીયા પાડા વિસ્તારમાંથી પોલીસે ઈમ્તિયાઝ મામદ બ્લોચ, રાજુ જીવરાજ સોલંકી અને અર્જુન હરેશ સોલંકીને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
