શંભુ સિંહ, ભાવનગર
તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ કુમાર પાસે લઈ જવામાં આવ્યો હતો.
સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવતા ફરજ પર તૈનાત રેલવે સુરક્ષા બળ (આરપીએફ) સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને બાળકને સુરક્ષિત અભિરક્ષામાં લીધો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાનું સાચું નામ તથા સરનામું સ્પષ્ટ રીતે જણાવી શક્યો નહોતો. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને તેને સોનગઢ સ્ટેશન માસ્ટર કચેરીમાં સુરક્ષિત રીતે બેસાડીને જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સ્ટેશન પ્રશાસન દ્વારા જરૂરી કાર્યવાહી માટે સંબંધિત સરકારી રેલવે પોલીસ (જીઆરપી) થાણાને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. બાળકની ઉંમર અંદાજે 14 થી 15 વર્ષ હોવાનું માનવામાં આવે છે.
રેલવે પ્રશાસન તથા આરપીએફની સતર્કતા, સંવેદનશીલતા અને માનવીય અભિગમના પરિણામે નાબાલિક બાળકને ચાઈલ્ડ હેલ્પલાઈન 1098, ભાવનગર મારફતે સુરક્ષિત સંરક્ષણ આપવામાં આવ્યું તેમજ આગળની કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી છે.
રેલવે પ્રશાસન મુસાફરો અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની માનવીય તથા સતર્ક કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
