Headlines

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય –

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬

       સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

        દ્વારકા જતા પદયાત્રીઓને મેડિકલ ઇમરજન્સી, અકસ્માત વિગેરે જેવા બનાવ દરમિયાન ખંભાળિયાના સેવાભાવીઓ, તબીબો દ્વારા એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંની જાણીતા દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા – જામનગર હાઇવે માર્ગ પરના પડાણા ગામના પાટીયાથી કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામ સુધી પદયાત્રાએ નીકળેલા લોકો માટે એમ્બ્યુલન્સ તથા સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

       આ વિના મૂલ્યે સારવાર અહીં ડો. અમિત નકુમની વેદાંત હોસ્પિટલ, ડો. પી.વી. કંડોરીયાની દેવભૂમિ હોસ્પિટલ, ડો. તેજસ પટેલની શુભમ હોસ્પિટલ, ડો. સોમાત ચેતરીયાની સાંકેત હોસ્પિટલ, ડો. નરેશ દેથરીયાની સાર્થક હોસ્પિટલ, ડો. પ્રકાશ ધારવીયાની શિવાલિક હોસ્પિટલ, ડો. નિસર્ગ રાણીંગાની રાણીંગા ઓર્થોપેડિક હોસ્પિટલ અને ડો. સાગર ભૂતની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સારવાર આપવામાં આવનાર છે. આટલું જ નહીં અહીંની હોસ્પિટલે દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સની સેવા પણ 24 કલાક વિનામૂલ્યે મળી રહેશે.

       છેલ્લા સાત વર્ષથી અહીંના સ્વયંસેવકો ઈન્દ્રજીતસિંહ પરમાર, વનરાજસિંહ વાઢેર, નિકુંજભાઈ વ્યાસ, વિકીભાઈ રૂઘાણી, મોહિતભાઈ મોટાણી, જીગ્નેશભાઈ પરમાર, ઘનશ્યામસિંહ જાડેજા, ભવ્ય ગોકાણી, ધીરુભાઈ ટાકોદરા, જીતુભાઈ ગઢવી, ભાર્ગવ શુક્લ ભાર્ગવ ઘઘડા, મિલન વારીયા, લાલજીભાઈ ભુવા, માનભા જાડેજા વિગેરે દ્વારા ખડેપગે સેવાઓ આપવામાં આવે છે.

     આમ ફૂલડોલ ઉત્સવમાં થતા પદયાત્રીઓ માટે એમ્બ્યુલન્સ, તબીબી સારવાર તેમજ દવા અને ઓપરેશન વિગેરે જેવી સારવાર વિના મૂલ્યે પ્રાપ્ય બની રહેતા ઇમર્જન્સીના સમયે પદયાત્રીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *