


– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ –
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬
કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને દ્વારકા પહોંચતા હજારો શ્રદ્ધાળુઓમાં કોઈપણ પ્રકારના થાક કે કંટાળા વગર ઉમંગભેર ભક્તો ચાલીને દ્વારકા તરફ પ્રયાણ કરતા જોવા મળે છે.
હાલ ખંભાળિયા પંથકમાંથી પસાર થઈ રહેલા દ્વારકાના પદયાત્રીકોને નિહાળતા આ લોકો આસ્થાની સાથે ઉમંગ વ્યક્ત કરતા જોવા મળે છે. સેંકડો કિલોમીટર દૂરથી આવતા આ પદયાત્રીઓમાં ફક્ત યુવાનો જ નહીં પરંતુ વૃધ્ધો, મહિલાઓ અને બાળકો પણ ચાલતા જોવા મળે છે. જેમાં કોઈ શ્રદ્ધાળુ ખુલ્લા પગે ચાલે છે ને કેટલાક આંખે પાટા બાંધીને… આ રીતે તેઓ પોતાની દ્વારકાધીશ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. અહીંથી પસાર થતા દ્વારકાના ભક્તોને પૂછતા તેઓને કોઈપણ પ્રકારનું વિઘ્ન નડતું નથી. ન થાક, ન ગરમી, ન ખરાબ હવામાન કે ન કોઈ અસુવિધા.
આ પદયાત્રીઓને અનોખું બળ પૂરું પાડે છે અહીં ઠેર ઠેર ઉભા કરાયેલા સેવા કેમ્પ. દ્વારકા જતા ફક્ત ખંભાળિયા કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જ નહીં, પરંતુ જામનગર, રાજકોટ, અમદાવાદ વિગેરે શહેરો કે અન્ય રાજ્યના પદયાત્રીઓ – શ્રદ્ધાળુઓ માટે સેવાભાવી યુવાનો, કાર્યકરો દ્વારા આધુનિક સુવિધાસભર કેમ્પ પણ વધુ મક્કમ મનોબળ પૂરું પાડી રહ્યા છે.
અહીં દિવસ-રાત જોયા વગર 24 કલાક ધમધમતા સેવા કેમ્પોમાં ફક્ત બે ટંકનું ભોજન કે ચા-નાસ્તો જ નહીં, પરંતુ ગરમ પાણીથી પગચંપી, મસાજ, તબીબી સુવિધાઓ, ન્હાવા માટે ગરમ પાણી, મોબાઇલ ચાર્જિંગ, સહિતની તમામ ઘટતી સુખ સુવિધાઓ કેમ્પના સેવાભાવી આયોજકો પદયાત્રીઓને હોંશભેર પૂરી પાડે છે. સુખી – સંપન્ન પરિવારના મહિલાઓ પણ આ સેવા કેમ્પમાં રોટલા બનાવવા સહિતની વિવિધ રીતે પોતાની સેવાઓ આપી ધન્યતા અનુભવે છે.
અહીંના હાઈવે માર્ગ પર સર્વત્ર “જય દ્વારકાધીશ”ના નાદ સાથે સેવા કેમ્પોમાં પણ કાળિયા ઠાકોરનો જયજયકાર સાંભળવા મળે છે. અહીં સેવા કરતા કાર્યકરો જાણે પદયાત્રીઓની નહીં પરંતુ ભગવાન દ્વારકાધીશની સેવા કરી રહ્યા હોય તેવો ભાવ વ્યક્ત કરે છે.
આ સેવાકાર્ય માટે જિલ્લા પ્રશાસન તેમજ જિલ્લા પોલીસ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પણ ખભેખભા મિલાવીને સેવાઓ આપે છે. હાલ નજીકના દિવસોમાં અહીંથી દ્વારકાનો પ્રવાહ ઓછો થનાર છે. તે પૂર્વે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની સેવા કરી, વિવિધ કેમ્પના સેવાભાવીઓ પુણ્યનું ભાથું બાંધે છે.





(ફોટો: કુંજન રાડિયા)
