Headlines

ભાવનગરના આનંદનગરમાં ગુંજ્યો સનાતન ધર્મનો નાદ: ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન

ડુંગરિયા હનુમાનજી મંદિરે સંતો અને હિન્દુ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હજારોની મેદની વચ્ચે હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત કરાઈ

ભાવનગર, 2 ફેબ્રુઆરી 2026

​ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગત ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ડુંગરિયા હનુમાનજી મંદિર ખાતે ‘હિન્દુ સંમેલન સમિતિ – આનંદનગર’ દ્વારા આયોજિત ‘વિરાટ હિન્દુ સંમેલન’માં ઉમટેલી જનમેદનીએ હિન્દુત્વ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. આ સંમેલનમાં ભાવનગરના વિવિધ વિસ્તારોમાંથી હિન્દુ ભાઈ-બહેનો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને દીપ પ્રાગટ્ય

​કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ શાસ્ત્રી (છોટે મોરારી) એ અધ્યક્ષ સ્થાનેથી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં કિશનગિરી ગૌસ્વામી (મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ), અતિથિ વિશેષ તરીકે ડો. રમેશભાઈ લીંબાણી અને મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોવિંદભાઈ ટીંબડીયા (અમરેલી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સમિતિ દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને સન્માન સમારોહ

​સંમેલનના પ્રારંભમાં નાની બાળાઓ દ્વારા ગણેશ વંદના અને શ્લોક ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભક્તિના ગીતો અને મનમોહક કથક નૃત્યની રજૂઆતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તબક્કે આનંદનગર વિસ્તારના એવા શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે રાષ્ટ્રસેવા અને સમાજ સેવામાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે. ખાસ કરીને ૧૯૯૦ની ‘ચલો અયોધ્યા’ કારસેવામાં જોડાયેલા કારસેવકોનું બહુમાન કરી તેમની વીરતાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત, સનાતન ધર્મના પ્રચાર-પ્રસારમાં કાર્યરત મહિલા મંડળો, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર યુવાનો અને બાળાઓને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.

વક્તાઓનું પ્રેરક સંબોધન

​મુખ્ય વક્તા રામકૃષ્ણ શાસ્ત્રીએ પોતાની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સનાતન ધર્મનું જ્ઞાન હોવું દરેક હિન્દુ માટે અનિવાર્ય છે. તેમણે હિન્દુ જાગૃતિ પર ભાર મૂકતા ઉપસ્થિત જનમેદનીને પોતાના ધર્મ પ્રત્યે સજાગ રહેવા ટકોર કરી હતી. ખાસ કરીને મહિલાઓની બહોળી હાજરીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, માતાઓ જ બાળકમાં સંસ્કારનું સિંચન કરી શકે છે, તેથી નવી પેઢીને સનાતન પરંપરાઓથી વાકેફ કરવી એ સમયની માંગ છે.

​રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોવિંદભાઈ ટીંબડીયાએ વર્તમાન વૈશ્વિક અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું હતું કે, હિન્દુ સંગઠન એ જ રાષ્ટ્રની મજબૂતીનો આધાર છે. તેમણે યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા અને કુરીતિઓ ત્યાગી સુસંસ્કાર કેળવવા પર ભાર મૂક્યો હતો.

સંગઠિત શક્તિનું પ્રદર્શન

​આ સંમેલનમાં આનંદનગરના તમામ મંદિરોના મહંતોએ હાજરી આપી આયોજનની સરાહના કરી હતી. ભાવનગરના ‘છોટે કાશી’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં સાધુ-સંતોના આશીર્વાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે તમામ ભાવિકો માટે આનંદનગરના ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું હતું.

આયોજક ટીમની જહેમત

​આ વિરાટ આયોજનને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિ – આનંદનગરના કાર્યકર્તાઓ કિશોરભાઈ ભટ્ટ, કેતનભાઈ વ્યાસ, દેવાંગભાઈ પુરોહિત, દિનેશભાઈ રાઠોડ, ગિરિરાજસિંહ ગોહિલ, રાજેશભાઈ ત્રિવેદી, ઇન્દ્રજીતસિંહ ચુડાસમ, કમલભાઈ ત્રિવેદી, બાબુલભાઈ જાની, સુરેશભાઈ ત્રિવેદી, ઉદયભાઈ બોરીસાગર, હિરેનભાઈ તન્ના, અલ્પેશભાઈ પુરોહિત અને ભરતભાઈ ભટ્ટ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ વ્યાસ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને અંતમાં કિશોરભાઈ ભટ્ટ (વંદેમાતરમ્) દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *