ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
સોશિયલ મીડિયાના યુગમાં લોકપ્રિયતા મેળવવાની ઘેલછામાં અનેકવાર મર્યાદાઓ ઓળંગવામાં આવે છે, પરંતુ પોરબંદર પોલીસે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં એક વ્યક્તિએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અભદ્ર શબ્દો અને ગાળોવાળું ગીત અપલોડ કર્યું હતું. આ વિડિયો પોરબંદરની ગરિમાને ઠેસ પહોંચાડે તેવો અને પરિવાર સાથે જોવાલાયક ન હોવાથી પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
પોરબંદર પોલીસે સંબંધિત ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકને પોલીસ સ્ટેશન લાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસની સમજાવટ અને કડક વલણ બાદ, તે વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી હાથ જોડીને તમામ પોરબંદર વાસીઓની માફી માંગી હતી અને વિવાદાસ્પદ વિડિયો ડિલીટ કર્યો હતો.
પોલીસે આ મામલે સ્પષ્ટ જણાવ્યું હતું કે આવા બીભત્સ કન્ટેન્ટની સમાજ અને ખાસ કરીને બાળકો પર ખરાબ અસર પડે છે. લોકહિત અને સામાજિક શિસ્ત જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે. અંતમાં પોલીસે તમામ સોશિયલ મીડિયા યુઝર્સને નમ્ર અપીલ કરી છે કે, દુનિયામાં ઘણું સારું કન્ટેન્ટ છે, તો શા માટે ખરાબ વસ્તુઓ પ્રમોટ કરવી? હંમેશા સભ્ય અને પ્રેરણાદાયક વિડિયો બનાવવા પર ભાર મૂકવો જોઈએ.
