જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આજદિન સુધી પગારથી વંચિત રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ પેઈડ એપ્રિલ માસના પગાર અંગેની ગ્રાન્ટ જિલ્લા હવાલે તારીખ 11 એપ્રિલ 2026 ના રોજ આપેલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસ દિવસ જેવો સમય પસાર થવા છતાં દરેક તાલુકા સુધી પગારના ચેક ઇસ્યુ કરવામાં આવ્યા નથી. દરેક તાલુકામાં ચેક મળ્યે બે દિવસ પછી શિક્ષકોના ખાતામાં આ રકમ જમા થાય છે.
આમ, કચેરી દ્વારા ફરજમાં કથિત બેદરકારીના કારણે આશરે 2113 જેટલા પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત બની રહ્યા છે. જેથી શિક્ષકોને ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ અંગેની રજૂઆત રૂબરૂ મળીને જિલ્લા વિકાસ અધિકારીને દેવભૂમિ દ્વારકા જિલ્લા શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લામાં દર મહિને નિયમિત પગાર મળે તે અંગે યોગ્ય કરવા માંગ કરાઈ છે.
