લોકશાહીના પર્વે જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠી પોરબંદરના ઉજ્જવળ ભવિષ્ય માટે 100% મતદાન કરવા પ્રબળ અપીલ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આગામી ચૂંટણીના પર્વે પોરબંદરના હિતમાં અને જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મતદારોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સંદેશ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ અને અધિકાર બંને છે. આવતીકાલે જ્યારે પોરબંદરના વિકાસ અને ભવિષ્યનો નિર્ણય થવાનો છે, ત્યારે દરેક નાગરિકે ઘરે બેસી રહેવાને બદલે અચૂક મતદાન કરવું જોઈએ.
ભરતભાઈ લાખાણીએ પોરબંદરની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલ પોરબંદરની દિશા અને દશા બદલાઈ રહી છે. લોકો રોજગારી અને સારા ભવિષ્ય માટે મોટા શહેરો તરફ પલાયન કરી રહ્યા છે, જેના કારણે પોરબંદર ધીરે ધીરે ‘વૃદ્ધાશ્રમ’ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. યુવા પેઢી બહાર જઈ રહી છે ત્યારે શહેરના વિકાસ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી અનિવાર્ય બની ગઈ છે. તેમણે મતદારોને ટકોર કરી હતી કે કોઈ પક્ષ કે વ્યક્તિને મત આપતા પહેલા તે પોરબંદર માટે કેટલો સક્ષમ છે તેનો ઊંડો વિચાર કરવો જોઈએ.
પોતાના સંદેશમાં એક સચોટ પંક્તિ ટાંકીને તેમણે માર્મિક રીતે સમજાવ્યું હતું કે, “કુપાત્રને દાન ન દેવાય, મૂર્ખને જ્ઞાન ન દેવાય, અજ્ઞાનીને સન્માન ન દેવાય અને નકામાને માન ન દેવાય.” આ જ રીતે જે ઉમેદવાર લાયક ન હોય તેને ક્યારેય મતદાન ન કરવું જોઈએ. જ્ઞાતિ, જાતિ કે ધર્મના વાડાઓમાં બંધાવાને બદલે જે વ્યક્તિ તમારા સુખ-દુઃખમાં સાથે ઊભી રહી શકે અને શહેરનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા શિક્ષિત અને યોગ્ય ઉમેદવારને જ મત આપવો જોઈએ. અંતમાં તેમણે પોરબંદરના હિતમાં 100% મતદાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
