Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “પોષણ સંગમ” કા ર્યક્રમની નોંધપાત્ર કામગીરી


જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનાં ભાગરૂપે હાલમાં સમગ્ર રાજ્યમાં એપ્રિલ- 2025 માસથી “પોષણ સંગમ” કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં આવતા તમામ બાળકોનું દર મહિને વજન અને ઉંચાઇ કરી ઓછા વજન વાળા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.
“પોષણ સંગમ” કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન કાર્યક્રમના 10 પગલા નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ 691 આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સંકલન કરી બાળકોનું સ્ક્રીનીંગ કરી અતિ ગંભીર કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોની ઓળખ કરી, જરૂરિયાત મુજબ સંસ્થાકીય સ્તરે કે આંગણવાડી કેન્દ્ર ખાતે સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. “પોષણ સંગમ” કાર્યક્રમનાં અમલીકરણ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ચ-2025 ના અંતે અતિ ગંભીર કુપોષિત બાળકો બાળકોનું પ્રમાણ 1.51 ટકા હતું, જે ઘટીને માર્ચ-2026 ના અંતે 0.71 ટકા થયું છે.
મધ્યમ કુપોષિત બાળકોનું પ્રમાણ 4.54 ટકા હતું, જે ઘટીને 2.42 ટકા થયું છે. આ સાથે અતિ ઓછા વજન વાળા બાળકોનું પ્રમાણ 2.21 ટકાથી ઘટીને 1.53 ટકા, મધ્યમ ઓછા વજન વાળા બાળકોનું પ્રમાણ 10.24 ટકાથી ઘટીને 7.18 ટકા થયું છે.
જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જિલ્લામાં યોજનાનું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. સાથે જિલ્લાને સુપોષિત જિલ્લો બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત નયારા એનર્જી સંચાલિત “પ્રોજેક્ટ તુષ્ટી” અંતર્ગત બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે સમયાંતરે બાળરોગ નિષ્ણાંતો દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરી જરૂરી દવાઓ તથા પોષણ કીટનું વિતરણ કરવામાં આવે છે.
આમ, જિલ્લાનાં બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે પોષણ સંગમ કાર્યક્રમ આશીર્વાદ રૂપ સાબિત થયો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *