બે દિવસમાં 18 હજાર ચો. મીટર જેટલી જમીન પરના દબાણો ધ્વસ્ત –
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬
દ્વારકા તાલુકામાં આજરોજ સ્થાનિક પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દ્વારકા તાલુકાના પોશીત્રા તથા વરવાળા ગામે જુદા જુદા સરવે નંબરમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કુલ અંદાજે 15,650 ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત અંદાજે રૂપિયા 1,24,75,000 જેટલી થાય છે.
તંત્રની આ નોંધપાત્ર કામગીરીના પરિણામે આ કિંમતી સરકારી મિલ્કત ફરી સરકારના કબજામાં આવી છે. કામગીરી દરમિયાન તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેલ્લા બે દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશમાં કુલ રૂપિયા 3.52 કરોડ જેટલી કિંમતની 18,150 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
આ મુદ્દે સ્થાનિક તંત્રએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સહન કરવામાં નહીં આવે અને આવી કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. આ કામગીરીથી સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે તેમજ જાહેર મિલ્કતનું સંરક્ષણ સુનિશ્ચિત થશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરિયા કિનારના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે અન્ય ગેરકાયદેસર દબાણ ચલાવી ન લેવાના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અભિયાનમાં જિલ્લા તંત્રના એસ.ડી.એમ. અમોલ આવટે તથા ડીવાયએસપી સાગર રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલનથી આ કામગીરી સંપન્ન થઈ હતી અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.








