ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન વિષય પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ કેળવાય અને ધોરણ-10 બાદ તેઓ આ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય ખાતે પ્રથમવાર ‘મેગા સાયન્સ ક્વિઝ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધા વર્તમાન કેબિનેટ મંત્રી અને શાળાના પૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરણાથી આયોજિત થઈ હતી. આ ક્વિઝ સ્પર્ધામાં સમગ્ર જિલ્લાની વિવિધ શાળાઓની કુલ 37 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે નવયુગ વિદ્યાલયની ટીમ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી, જ્યારે આદિત્યાણા હાઈસ્કુલ અને બખરલા હાઈસ્કુલ અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમે રહી હતી. તમામ વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. 18,000 ના રોકડ ઇનામોની સાથે શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના અનેક અગ્રણી મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
