– અનામત બેઠક હોવાથી જિલ્લા પંચાયતમાં એકમાત્ર ઉમેદવારનું નામ ચર્ચામાં –
– સાંસદ, ધારાસભ્યો વિગેરેની ખાસ ઉપસ્થિતિ –
જામ ખંભાળિયા,(કુંજન રાડિયા)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો મોટાભાગની બેઠકોમાં હાથ ઉપર રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં આગામી દિવસોમાં સત્તારૂઢ થનારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નામોની ચર્ચા કરવા માટે શનિવારે ખંભાળિયામાં ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દ્વારકા અને ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે વિજેતા ઉમેદવારોએ ભાજપના મોવડી મંડળ પર નિર્ણયની કમાન સોંપી છે.
ખંભાળિયા સ્થિત દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે શનિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ખંભાળિયા નગરપાલિકાના વિજેતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આગામી અઢી વર્ષના સમયગાળા માટે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને દંડક ના નામ માટે ઈચ્છા વ્યક્ત કરતા ઉમેદવારો તેમજ સભ્યોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. જેમાં નિરીક્ષકો મહેસાણાના સાંસદ હરિભાઈ એન. પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સદસ્ય બિજલબેન પટેલની ખાસ ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વિજેતા ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં આ વખતે શિડ્યુલ કાસ્ટ (એસ.સી.) ના પ્રમુખ પદ માટેની બેઠક અનામત હોય, જિલ્લામાં દ્વારકા તાલુકાની બરડીયા જિલ્લા પંચાયતની બેઠકના એકમાત્ર એસ.સી. ઉમેદવાર વિજેતા બનતા તેમનું નામ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ફાઇનલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહત્વની બાબત તો એ છે કે ભાજપના નોંધપાત્ર સભ્ય સંખ્યા સાથે લીડથી વિજેતા બનેલા દ્વારકા અને ભાણવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ઉપસ્થિત ઉમેદવારોએ દાવેદારી કરવાના બદલે ભાજપ તરફથી જે ઉમેદવારના નામનું મેન્ડેટ આવે તે નામ શિરોમાન્ય હોવાનું આ સેન્સ પ્રક્રિયામાં જણાવ્યું હતું.
જ્યારે ખંભાળિયા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે બક્ષીપંચ અનામત હોય, અનેક ઉમેદવારોએ પોતાની પ્રમુખ થવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે અન્ય હોદ્દાઓ માટે પણ સેન્સ લેવામાં આવ્યા હતા.
આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતા રાત્રે અહીંના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા તેમજ જિલ્લા પ્રભારી અને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં વિવિધ નામો અંગે સવિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જે અંગે આ સપ્તાહમાં ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડમાં નામો ફાઇનલ થશે અને નવા હોદ્દેદારોના મેન્ડેટ આપવામાં આવશે.
____________________________________________________________________________________










