ખબર જગત પોરબંદર
તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ખોરવાવા લાગ્યું છે. ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જે ખાંડ આશરે 30થી 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હોવાનો સ્થાનિક બજારનો અનુભવ હતો, તેના ભાવ કેટલાક સ્થળોએ વધીને 60થી 65 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યાની ફરિયાદો સામે આવી રહી છે. જોકે દેશવ્યાપી સરેરાશ છૂટક ભાવ આ સ્તરથી નીચો છે. 7 ઓગસ્ટ 2026ના સરકારી આંકડા આધારિત અહેવાલ મુજબ ખાંડનો સરેરાશ છૂટક ભાવ 50.30 રૂપિયા પ્રતિ કિલો હતો, જે એક મહિના અગાઉ 47.17 રૂપિયા હતો. એટલે કે એક મહિનામાં સરેરાશ ભાવમાં આશરે 6.6 ટકાનો વધારો થયો છે.
ખાંડના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોની મોસમમાં મીઠાઈ અને અન્ય મીઠી વાનગીઓની માંગ વધવાની હોય છે. ખાંડના ભાવ વધતા તેની સીધી અસર મીઠાઈ, બેકરી સહિતના અનેક ખાદ્યપદાર્થોના ખર્ચ પર પડી શકે છે. પરિણામે તહેવારોમાં મીઠાઈ ખરીદનારા ગ્રાહકોને પણ વધુ રકમ ચૂકવવી પડી શકે છે. બજારમાં છેલ્લા એક મહિનામાં દેશના વિવિધ વિસ્તારોમાં ખાંડના ભાવમાં 8થી 15 ટકા સુધીનો વધારો નોંધાયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
ખાંડના ભાવ વધવા પાછળ ઓછું ઉત્પાદન અને આગામી ખાંડની મોસમ અંગેની ચિંતા મુખ્ય કારણોમાં ગણાવવામાં આવી રહી છે. ઉપલબ્ધ અહેવાલ મુજબ ચાલુ વર્ષે દેશમાં ખાંડનું વાસ્તવિક ઉત્પાદન અંદાજિત 296 લાખ ટન સામે આશરે 280 લાખ ટન રહ્યું હોવાનું જણાવાયું છે. બીજી તરફ દેશનો વાર્ષિક વપરાશ પણ આશરે 280 લાખ ટન જેટલો છે. આ ઉપરાંત ચાલુ વર્ષે આશરે 8 લાખ ટન ખાંડની નિકાસ અને આગામી મોસમ અંગેની અનિશ્ચિતતાએ બજારમાં ભાવવધારાનું દબાણ ઊભું કર્યું હોવાનું બજાર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.
ભાવવધારાને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકારે ખાંડના વેપારીઓ અને વિક્રેતાઓ માટે જથ્થા પર મર્યાદા લાગુ કરી છે. આ નિયમ 1 ઓગસ્ટથી 30 નવેમ્બર 2026 સુધી અમલમાં રહેવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર કેટલાક વેપારીઓ, વિક્રેતાઓ અને વચેટિયાઓ દ્વારા ખાંડનો જથ્થો ભેગો કરવામાં આવતો હોવાની સાથે સટ્ટાકીય વ્યવહારો અને વાસ્તવિક પુરવઠા વગરના કાગદી વ્યવહારોને કારણે બજારમાં કૃત્રિમ અછતનું વાતાવરણ ઊભું થતું હોવાની બાબત ધ્યાનમાં આવી હતી.
સરકારે દેશની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી ખાંડ ઉપલબ્ધ હોવાનું સ્પષ્ટ કર્યું છે. સાથે જ ખાંડના વેપારીઓ માટે સરકારી ઓનલાઇન પોર્ટલ પર પોતાના જથ્થાની વિગતો નોંધાવવી અને દર અઠવાડિયે તેમાં સુધારો કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. સરકાર બજારમાં ખાંડના ભાવ અને પુરવઠા પર નજર રાખી રહી હોવાનું પણ જણાવાયું છે.
એક તરફ સરકાર સંગ્રહખોરી અને કૃત્રિમ અછત પર નિયંત્રણ લાવવાના પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ છૂટક બજારમાં ગ્રાહકોને વધેલા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તહેવારો પહેલાં ખાંડના ભાવમાં થતો વધારો સામાન્ય પરિવારના બજેટ માટે ચિંતાજનક બની શકે છે. હવે જો ભાવવધારાનો આ દોર આગળ પણ ચાલુ રહે તો તહેવારોની મીઠાશ ગ્રાહકો માટે આર્થિક રીતે કડવી સાબિત થઈ શકે છે અને ખાંડના ભાવ સરકાર માટે પણ કડવો પડકાર બની શકે છે.
