જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫
કેન્સરની બીમારીના કારણે કલ્યાણપુરના મહિલાનું મૃત્યુ
કલ્યાણપુરમાં રહેતા સદફબેન રફિકભાઈ મામદભાઈ રવસીયા નામના 36 વર્ષના મહિલાને છેલ્લા આઠેક મહિલાથી ગળાના કેન્સરની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પતિ રફિકભાઈ રવસીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
____________________________________________________________________________
બેટ દ્વારકામાં યાત્રાળુના લેપટોપ મોબાઈલની ચોરી
હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા રોહનભાઈ શિવકુમાર ભસીન નામના 39 વર્ષના પંજાબી યુવાન દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે ગઈકાલે મંગળવારે બેટ દ્વારકામાં તેમણે એક રીક્ષામાં પોતાનું લેપટોપ અને મોબાઈલ રાખીને દર્શન કરવા ગયા હતા.
આ પછી પરત આવીને જોતા તેમનું લેપટોપ અને મોબાઈલ જોવા મળ્યા ન હતા. આમ, રૂપિયા 40 હજારની કિંમતના લેપટોપ સહિત કુલ રૂપિયા 47 હજારનો મુદ્દામાલ કોઈ તસ્કર ઉઠાવી ગયા અંગેની ધોરણસર ફરિયાદ રોહનભાઈ પંજાબીએ બેટ દ્વારકા પોલીસને કરી છે. જે અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
____________________________________________________________________________
ઓખામાં ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવેલી સૂકી માછલીની ચોરી
ઓખામાં રહેતા અને મૂળ રાજકોટ તાલુકાના ધોરાજી ગામના રહીશ જાફરભાઈ આરીફભાઇ ગુર્જર નામના 49 વર્ષના મુસ્લિમ સિપાઈ યુવાન કે જેઓ ઓખામાં માછીમારી અંગેના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે ભદ્રેશા ચોકીવાળા ખુલ્લા પ્લોટમાં સુકવવા રાખેલી 25 કિલો જેટલી સૂકી માછલીઓ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે 27,500 ની કિંમતની સૂકી માછલીની ચોરી થવા સબબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
____________________________________________________________________________
દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા
દ્વારકામાં દેવ હોટલ પાસેની ગલીમાંથી પોલીસે રાત્રિના સમયે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા વાલણસી ખીમરાજ હાજાણી ચારણ અને કિરીટ ક્રિષ્નભાલ ઉપાધ્યાયને તેમજ સનાતન સેવા આશ્રમ પાસેથી પોલીસે મીરાજ નાનુભાઈ નાઘોરી અને મનસુખભાઈ હિરજીભાઈ રાયઠઠાને એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)