


જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫
ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં ભગવાન રઘુનંદન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓએ ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષમણજી અને હનુમાનજીના સાક્ષાત સ્વરૂપમાં વેશભૂષામાં તૈયાર થઈને સભામંડપમાં પ્રવેશ કર્યો ત્યારે ચારે બાજુથી પુષ્પવર્ષા થઈ હતી અને અહીંનું વાતાવરણ દિવ્ય ભક્તિમયી બની ગયું હતું. ધી પ્રેસિડેન્ટ સ્કૂલ કેમ્પસમાં બિરાજમાન થયેલા બાળકો જાણે સાક્ષાત ભગવાનના બાળ સ્વરૂપની અનુભૂતિ કરાવતા હતા. અને “જય જય શ્રી રામ” ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
જાણીતા ભગવતાચાર્ય શાસ્ત્રી ભાવેશભાઈ આરંભડીયા દ્વારા બાળકોને રામચંદ્રજીના જન્મોત્સવ અને ભગવાનના જીવનમાંથી બોધ લેવા જેવી રસપ્રદ માહિતી તેમની ભાવભરી સુમધુર રસશૈલીમાં આપી હતી.
આ તકે મહા આરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનો, શાળાના બાળકો, હેતુમિત્રો, શુભેચ્છકો અને વાલીઓ દ્વારા આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ કરાયું હતું. શાળા પરિવારના વાલી દિનેશભાઈ વાઢેર દ્વારા તમામ બાળકોને પ્રસાદી રૂપે ભોજન અને ફ્રુટજ્યુસનું પણ આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાસ્ત્રીજી ભાવેશભાઈ આરંભડીયા, અગ્રણી ઉદ્યોગપતિ અને જિલ્લા ભાજપ અગ્રણી ધીરુભાઈ ટાકોદરા, શાળાના ટ્રસ્ટી ડો. ભાવેશ ધારવીયા, જાણીતા મનોચિકિત્સક ડો. જગદીશ વારોતરીયા, શિક્ષણ અને યુવા અગ્રણી મનોજભાઈ ચોપડા, દિનેશભાઈ વાઢેર, આર્યન આરંભડીયા, જયેશભાઈ કણઝારીયા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પરિવાર વતી માહી સરએ બધાને આવકાર્યા હતા અને અમૂલ્ય હાજરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સૌને રામનવમીની શુભકામનાઓ પાઠવી હતી.



(ફોટો:- કુંજન રાડિયા)