જુનાગઢ રેન્જ અને પોરબંદર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા ગંભીર ગુન્હો ડિટેક્ટ કરાયો
પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત કલેકટર કચેરી સેવા સદન-૧ ખાતે જનરક્ષક-૧૧૨ના પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવાના અને મહિલાના અપહરણના પ્રયાસના ગંભીર કેસમાં પોરબંદર પોલીસ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ સામે આવ્યો છે. ઘટનાની વિગતો મુજબ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન તેમજ પોરબંદર શહેરના ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ધીરજ નાનજીભાઈ પરમાર દ્વારા જનરક્ષક-૧૧૨ પર ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની સાથે લગ્ન નોંધણી કરાવેલ સ્ત્રીને તેના માતા-પિતા તથા સગા વ્હાલાઓ દ્વારા બળજબરીપૂર્વક લગ્ન નોંધણી રદ કરવા માટે કલેકટર કચેરી ખાતે લાવવામાં આવી છે અને તેને માર મારીને ગાળો આપવામાં આવી રહી છે. આ માહિતી મળતા જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ૧૧૨-જનરક્ષક ટીમ તાત્કાલિક કલેકટર કચેરી ખાતે પહોંચી ગઈ હતી અને અરજદાર તથા ભોગ બનનાર સ્ત્રીને પોલીસ વાહનમાં બેસાડીને લઈ જઈ રહી હતી તે દરમિયાન આરોપીઓએ એક સંપ કરી ભોગ બનનાર સ્ત્રીને બળજબરીપૂર્વક વાહનમાંથી ખેંચીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હસ્તગત કરી હતી અને પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર (વકીલ) અકબરભાઇ સેલોત સહિત કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૯૨૬૦૫૧૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૨૨૧, ૧૯૫(૧), ૧૮૮(૨), ૧૯૧(૨), ૧૬૦ મુજબનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વકીલ અકબરભાઈ સેલોત, આદમ મુસાભાઈ રાવડા, હારૂન મુસાભાઈ રાવડા, ડાડાભાઈ ઝીંદા, રજાકભાઈ અલીમહમદ રાવડા અને અબ્દુલભાઈ રાવડા તમામ પોરબંદર વાળા હોવાનું સામે આવ્યું છે.
આ સફળ કામગીરી પાર પાડનાર પોલીસ ટીમમાં કમલાબાગ પો.ઇન્સ. એસ.જી.સોલંકી તથા સર્વેલન્સ પો.સઇ. એ.એ.ડોડીયા તથા અન્ય ચોકી પો.સ.ઇ. તથા સર્વેલન્સ સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોરબંદર પોલીસની આ સત્વરે કરાયેલી કામગીરી પ્રશંસનીય બની રહી છે.
