Headlines

પોરબંદરમાં છેડતી કરનાર શખ્સ સામે લાલ આંખ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને PASA હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક મોટર સાયકલ પર નીકળી બહેન-દીકરીઓની છેડતી કરનારા શખ્સ વિરુદ્ધ PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરી તેને અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યો છે.

પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક બાઈક પર ફરીને મહિલાઓ અને સગીરાઓ સાથે અશ્લીલ ચેનચાળા કરવા તેમજ શારીરિક છેડતી કરવા બદલ આરોપી હિતેશ નાથાલાલ કોટીયા (ઉં.વ. ૪૦) વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ મથકે ગુનાઓ નોંધાયા હતા. આ શખ્સ અંધારાનો લાભ લઈ છેડતી કરીને ભાગી જતો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો.

પોલીસ કાર્યવાહી:

જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ ઝાઝડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, આ શખ્સ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત મંજૂર રાખતા, કીર્તિમંદિર પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી આરોપીની અટકાયત કરી હતી. કાયદાના કડક અમલીકરણના ભાગરૂપે આરોપીને તાત્કાલિક અસરથી અમદાવાદ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

​આ કામગીરીમાં LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા, કીર્તિમંદિર પીઆઈ. જે.જે. ચૌધરી અને તેમની ટીમ દ્વારા સરાહનીય ભૂમિકા ભજવવામાં આવી છે. પોલીસની આ આકરી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *