જૂનાગઢ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬
જૂનાગઢમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં દિવ્યાંગ ઉર્ફે યશ વિનોદભાઈ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો, જેમાં પોરબંદર પંથકના આરોપી રાજુ અરજણ હુણની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ આરોપીને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
સીસીટીવી ફૂટેજ આરોપી માટે સાબિત થયા આશીર્વાદરૂપ
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે આરોપી રાજુ હુણે મૃતકને લોખંડનો પાઈપ માર્યો હતો અને તેના કારણે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે, આ કેસમાં પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજ અને તેનું ટ્રાન્ઝીટ રેકોર્ડિંગ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવતું હતું.
કોર્ટમાં થયેલી દલીલો મુજબ:
- સીસીટીવી રેકોર્ડિંગમાં સ્પષ્ટ દેખાતું હતું કે આરોપી રાજુ હુણના હાથમાં કોઈ હથિયાર ન હતું.
- ફૂટેજમાં અન્ય આરોપી રામશીભાઈ બારડ લાકડીઓથી અને જયશ્રીબેન રામભાઈ છરી વડે હુમલો કરતા હોવાનું જણાયું હતું.
- આરોપી રાજુ હુણની આ ઘટનામાં કોઈ સક્રિય ભૂમિકા કે અગાઉથી રચેલું કાવતરું હોય તેવું પોલીસ પેપર્સ કે ફૂટેજમાં સાબિત થયું ન હતું.
બચાવ પક્ષની દલીલો માન્ય રખાઈ
આરોપી વતી એડવોકેટ ભરતભાઈ લાખાણીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને સીસીટીવી ફૂટેજની વાસ્તવિકતામાં મોટો તફાવત છે. આ ઘટના અચાનક બનેલી હોવાથી તેમાં કોઈ પૂર્વ આયોજિત કાવતરાનો પ્રશ્ન રહેતો નથી.
જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા પોલીસ પેપર્સ, સીસીટીવી ફૂટેજ અને એડવોકેટની દલીલોને ધ્યાને રાખીને આરોપી રાજુ હુણને જામીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામમાં આરોપી વતી એડવોકેટ ભરતભાઈ લાખાણી, નવઘણ જાડેજા, દેવેન શુક્લ અને લો સ્ટુડન્ટ નિલેશ પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
