થાઈરોઈડ અને હૃદયની બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય મહિલાએ દમ તોડ્યો, કમલાબાગ દ્વારા તપાસ
પોરબંદર:
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરલા ફેક્ટરી સામેના કોસ્ટગાર્ડ ક્વાર્ટરમાં રહેતી એક ૨૮ વર્ષીય પરિણીતાનું બીમારીના કારણે કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી વિગત મુજબ, અંકુશ કુમારી દીપક કુમાર (ઉંમર ૨૮) નામની મહિલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે.
ઘટનાની વિગતો મુજબ, મૃતક મહિલાને આશરે ત્રણ મહિના પહેલા જ સંતાનની ડિલિવરી થઈ હતી. જોકે, ડિલિવરી બાદ તેમની તબિયત નાજુક રહેતી હતી. તેમને થાઈરોઈડ, લોહીની ઉણપ તેમજ હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીમારી વધતા તેમને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર તક્ષિણા ભાદરકા દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા જાણ કરવામાં આવતા કમલાબાગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો (UD) ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ASI એસ.ડી. પટેલ અને પીએસઆઈ એ.એ. ડોડીયા ચલાવી રહ્યા છે. એક નાનકડા બાળકે માતાની છત્રછાયા ગુમાવતા સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
