પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી દૂર કરવા હાથ ધરાયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફને મળી સફળતા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝુંડાલા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચોક્કસ બાતમીના આધારે રેડ
આ કામગીરીની વિગત એવી છે કે, જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશો અપાયા હતા. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી.કાનમિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
પેટ્રોલિંગ દરમિયાન પો.હેડ કોન્સ. એન.ટી.ભટ્ટ અને પો.કોન્સ. સાજન રામશીભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, ઝુંડાલામાં પોરાઈ માતાના મંદિર પાસે સવિતાબેન મનસુખભાઈના મકાન બહાર કેટલીક મહિલાઓ જાહેરમાં ગંજી પત્તાના પાના વડે જુગાર રમી રહી છે.
મુદ્દામાલ અને આરોપીઓની અટકાયત
બાતમીવાળી જગ્યાએ પોલીસ ટીમે રેડ પાડતા ત્યાં જુગાર રમી રહેલી ચાર મહિલાઓ રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય અને રોકડા રૂપિયા 24,660 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ મહિલાઓ સામે જુગાર ધારાની કલમ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓના નામ:
- ટમુબેન જગદીશભાઈ સુદાસમા (ઉ.વ. 45, રહે. ઝુંડાલા)
- સવિતાબેન વિઠ્ઠલભાઈ ઉમરેટીયા (ઉ.વ. 63, રહે. બીલખા, જિ. જૂનાગઢ)
- સવિતાબેન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 49, રહે. ઝુંડાલા)
- ઉષાબેન દિલીપભાઈ સોઢા (ઉ.વ. 53, રહે. અણીયારી ગામ)
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.સી.કાનમિયા, સર્વેલન્સ પી.એસ.આઈ. એ.એ.ડોડીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. એસ.એ.બકોત્રા, બી.પી.માણીયા, એન.ટી.ભટ્ટ, સાજન રામશીભાઈ, સુરેશ કિશાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ અને વુમન પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
