જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬
દ્વારકામાં થોડા સમય પૂર્વે ઉજવાઈ ગયેલા ફૂલડોલ ઉત્સવ દરમ્યાન અહીં પગપાળા આવેલા યાત્રીકોને દરિયાકિનારા વિસ્તારમાં લઈ જઈને નશીલો પદાર્થ પીવડાવી, લૂંટ થવા અંગે નોંધાયેલી પોલીસ ફરીયાદ અન્વયે જિલ્લા પોલીસના એલ.સી.બી. વિભાગે ભાવનગરના બે શખ્સોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આજે બન્ને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

ફૂલડોલ ઉત્સવ દરમ્યાન ભાવનગરના આ રીઢા ગુનેગારોની બેલડીએ દ્વારકા દર્શનાર્થે આવેલા જામજોધપુર પંથકના શ્રધ્ધાળુઓને વિશ્વાસમાં લઈ, શેરડીના રસમાં ધતુરાનો ઝેરી પાવડર ભેળવીને બેભાન કરી, આ શ્રધ્ધાળુઓના સોનાના દાગીના સહિત રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા અંગે નોંધાયેલી ફરીયાદના અનુસંધાને પોલીસની સઘન તપાસમાં ભાવનગરના બે આરોપી કાળુ અમરસી વાઘેલા અને માયધર ગામના હરેશ ઉર્ફે હકલો બાબુ માતાચોળીયા શખ્સોને ઝડપી લેવાયા હતા.
પોલીસે આ બંને આરોપીઓ પાસે દ્વારકાના લાઈટ હાઉસ પાસેના દરીયાઈ વિસ્તારમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં વધુ તપાસ દ્વારકા પોલીસ ચલાવી રહી છે.

(ફોટો:- કુંજન રાડિયા)
