જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬
ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના 38 વર્ષના માછીમાર કે જેની રોનક 2 નામની ચોક્કસ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બોટ થોડા સમય પૂર્વે આઈ.એમ.બી.એલ. ઉપર માછીમારી કરતાં પકડાઈ હોવાથી તેનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ ગયું હતું.
આ પછી તેણે અન્ય એક ફિશિંગ બોટ અલ કિરમાણીના રજિસ્ટ્રેશનના કાગળો મેળવી લઈને ફિશરીઝ વિભાગ સાથે છેતરપિંડી કરી, ફિશરીઝ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલી રજીસ્ટ્રેશન વાળી બોટમાં અન્ય બોટ અલ કિરમાણીના રજીસ્ટ્રેશન નંબર સાથેનું બોર્ડ મારીને અલ કિરમાણીના રજીસ્ટ્રેશનના કાગળોનો ઉપયોગ કરીને તેના મારફતે ઓનલાઈન ટોકન મેળવી લીધું હતું.
આ રીતે તેનો ખરા તરીકે ઉપયોગ કરી અને છેલ્લા આશરે ત્રણેક માસથી માછીમારી કરતો હોવાનું પોલીસના ધ્યાને આવતા આ અંગે એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે આરોપી ઈરફાન મોહંમદહુસેન કાદુ સામે બીએનએસ તેમજ ફિશરીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એ. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________________________________________
અગાઉના મનદુઃખનો ખાર રાખીને ભાણવડના યુવાન પર બે શખ્સોનો હુમલો
ભાણવડમાં એક હોસ્પિટલની પાછળના ભાગે રહેતા પ્રકાશભાઈ ભીખુભાઈ દેગામા નામના 20 વર્ષના યુવાન સાથે અગાઉ થયેલી માથાકૂટ બાબતનું મનદુઃખ રાખી અને વિજયપુર ગામના હિત બંધીયા અને ભાણવડના જયરાજ ભરતભાઈ બંધીયાએ તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
_____________________________________________________________________________
રાવલ અને ગઢેચીના બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા સંજય હરદાસભાઈ જાદવ નામના 29 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 23,400 ની કિંમતની વિદેશી દારૂની 78 બોટલ સાથે તથા દ્વારકા તાલુકાના ગઢેચી ગામના હિતેશ લક્ષ્મણભાઈ ચાસીયા નામના 26 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 10,500 ની કિંમતની વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
ઓખામાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી
ઓખાના ડાલ્ડા બંદર પાસેથી પોલીસે એક ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા કપિલ રાજાભાઈ ચુડાસમા (ઉ.વ. 25, રહે. કોડીનાર- જૂનાગઢ) દ્વારા ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને આ ટોકનમાં જણાવેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ઓછો લઈ જઈ અને ટોકનમાંથી નામ ઓછું કરાવ્યા વગર અનઅધિકૃત રીતે દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
દ્વારકામાં યાત્રાળુઓ માટેના પથિક સોફ્ટવેર કાર્યરત નહીં કરાતા કાર્યવાહી
દ્વારકામાં બ્રાહ્મણી ભવનના મેનેજર તરીકે ફરજ બજાવતા નિખિલભાઈ પ્રભુલાલભાઈ ટાંક (ઉ.વ. 40) એ યાત્રાળુઓની નોંધણી માટે અનિવાર્ય એવા પથિક સોફ્ટવેરને કાર્યરત નહીં કરી, જાહેરનામાનો ભંગ કરવા બદલ દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
ખંભાળિયામાં વૃદ્ધને હૃદય રોગનો જીવલેણ હુમલો
ખંભાળિયાના રામનાથ સોસાયટી શેરી નં. 3 ખાતે રહેતા મુકેશભાઈ જયંતીલાલ નાનાણી નામના 65 વર્ષના વૃદ્ધને ગઈકાલે રવિવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર જયેશભાઈ મુકેશભાઈ નાનાણીએ અહીંની પોલીસને કરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
