Headlines

પાલિતાણાની કૈલાસ ટેકરી ખાતે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો મંગલ પ્રારંભ-  પંચદેવનો દ્વેષ ક રનારનો સંગ ન કરવો: મોરારિબાપુ

ગોહિલવાડના સગાપરા ધાર ક્ષેત્રમાં શિવ સંકલ્પ સાકાર થયો, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક કૃષિના સંદેશ સાથે કથાનો પ્રવાહ વહેશે

​ધ ગ્રેટ વર્લ્ડ, પાલિતાણા/મહુવા:

​પાલિતાણા નજીક આવેલી કૈલાસ ટેકરી, સગાપરા ધાર ક્ષેત્રમાં ભારે ઉમંગ અને આસ્થા સાથે રામકથા ‘માનસ શિવ સંકલ્પ’નો પ્રારંભ થયો છે. વ્યાસપીઠ પરથી કથાનું મંગલાચરણ કરાવતા મોરારિબાપુએ વંદના ગાન સાથે આધ્યાત્મિક ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ – આ પંચદેવનો જે દ્વેષ કરે તેનો ક્યારેય સંગ ન કરવો જોઈએ.

​કથાના પ્રારંભે સંતો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જણાવ્યું કે, ઋષિમુનિઓ આદેશ કે ઉપદેશ આપી શકે, પરંતુ આપણે અહીં સંવાદ કરવા માટે એકત્રિત થયા છીએ. કથાના આયોજન અંગે રાજીપો વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, હરિની ઈચ્છા મુજબ જ ભાવિ નિર્માણ થતું હોય છે અને છેવટે ભગવાનની ઈચ્છાથી આ પવિત્ર સ્થાન પર કથાનો સંકલ્પ પૂર્ણ થયો છે.

​કૈલાસ ટેકરી ગુરુ આશ્રમ ખાતે મહંત લાલગીરીબાપુ ગુરુ વિજયગીરીબાપુના સંકલ્પ અને નેતૃત્વમાં આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. લાલગીરીબાપુએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, રામકથા એ કેવળ કથા નથી, પરંતુ મહાદેવ દ્વારા માતા પાર્વતીને કહેવાયેલું પરમ જ્ઞાન છે. તેમણે આ પ્રસંગે સામાજિક સમરસતા અને પ્રાકૃતિક કૃષિના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

​રામકથાના પ્રારંભ પ્રસંગે કેશવાનંદજી સ્વામી, સોહમગિરિજી મહારાજ, ભક્તિરામબાપુ, નિજાનંદ સ્વામી સહિતના ધર્માચાર્યોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, ભિખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ કથા શ્રવણ માટે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું. કથાના પ્રારંભે યજમાન પરિવાર અને કાર્યકર્તાઓ દ્વારા ભાવિકોનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *