જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા ભુપતભાઈ મોતીભાઈ રાઠોડ નામના 45 વર્ષના યુવાન કોઈ કારણોસર અકસ્માતે આ ગામના પુલ નીચે પડી જતા તેમને માથાના તથા કપાળના ભાગોમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ શાંતિલાલ ગોવિંદભાઈ રાઠોડએ અહીંની પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયાના રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા: રૂ. સવા લાખની રોકડ ચોરાઈ
ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ગુરુગેબી નકલંક આશ્રમ ખાતે રહી અને સેવા પૂજા કરતા હિરેનભાઈ શિવરામભાઈ હરિયાણી નામના બાવાજી યુવાનના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. અહીં મકાનનું તાળું તોડી, અંદર રૂમમાં રહેલા કબાટને ખોલીને આ કબાટમાં રહેલું ખાનું તાળું તોડી નાખ્યું હતું. આ ખાનામાં રાખવામાં આવેલી રૂ. 1.20 લાખની રકમ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ તસ્કરીના બનાવ અંગે ખંભાળિયા પોલીસ હિરેનભાઈ હરિયાણીની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ દ્વારા હાથ ધરવામાં આવી છે.
_____________________________________________________________________________
જુવાનપુરના મહિલાને માર મારતા પતિ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા પુરીબેન નાથાભાઈ હડિયલ નામના 49 વર્ષના સતવારા પરિણીત મહિલા પાસે તેણીના પતિ નાથા કરસનભાઈ હડિયલ અવારનવાર પૈસાની માંગણી કરતા હતા. જો તેને તેને પૈસા ના આપે તો તેમની સાથે ઝઘડો કરતા હતા. આ વચ્ચે ગત તારીખ 6 ના રોજ સાંજના સમયે ફરિયાદી પૂરીબેન હડિયલ તેમની વાડીએથી ગામ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આવી ચડેલા તેણીના પતિ નાથાભાઈ હડિયલએ ઉશ્કેરાઈને તેમના વાળ પકડી, બિભત્સ ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, તેમને લોખંડના પાઇપ તથા પથ્થર વડે માર મારી, ઈજાઓ કર્યાની જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને કલ્યાણપુર પોલીસે આરોપી પતિ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
ભાટિયા નજીક ટેમ્પો ટ્રાવેલ્સની ઠોકરે રીક્ષા સવાર મુસાફરો ઇજાગ્રસ્ત
રાજકોટના આનંદનગર કોલોની વિસ્તારમાં રહેતા શીતલબેન સંજયભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ નામના 38 વર્ષના મહિલા તેમના પરિવારજનો સાથે જી.જે. 03 સી.વી. 5200 નંબરની રીક્ષામાં બેસીને રાજકોટથી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રવિવારે વહેલી સવારના આશરે સાડા પાંચ વાગ્યાના સમયે ભાટિયા બાયપાસ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 19 વાય. 9776 નંબરના ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકે રિક્ષાને પાછળથી મારી હતી.
જેના કારણે રિક્ષામાં જઈ રહેલા ફરિયાદી શીતલબેન ચૌહાણ તથા સ્વાતિબેન વિગેરેને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કલ્યાણપુર પોલીસે ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
