
– હવે સંસદમાં હાલારના ત્રણ સાંસદ રહેશે –
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬
સમગ્ર રાજ્યમાંથી ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ માટેના ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ખંભાળિયાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું પણ નામ જાહેર થતાં ખંભાળિયા સાથે સમગ્ર હાલાર પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હાલાર પંથકના ત્રણ સંસદ સભ્યો સંસદ ભવનમાં રહેશે.

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સ્વ મેઘજીભાઈ કણજારીયાના પુત્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનું રાજ્યસભાના સાંસદ તરીકેના ઉમેદવાર અંગેનું નામ જાહેર થયા બાદ આજરોજ સોમવારે જીતેન્દ્રભાઈ કણજારીયા સાથે સમગ્ર જિલ્લાના આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરવા તેમની સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.
જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિમાન જીતેન્દ્રભાઈ કણજારીયાએ ચૂંટણી અધિકારી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અજયભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે યોજવામાં આવેલા સત્કાર સમારંભમાં જીતેન્દ્રભાઈ કણજારીયાને સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની પ્રસાદી અર્પણ કરી, મીઠું મોઢું કરાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગાંધીનગરમાં સદસ્ય નિવાસ કોન્ફરન્સ હોલ ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં સતવારા સમાજ મહામંડળના હોદ્દેદારો, જ્ઞાતિના આગેવાનો, પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
– હવે હાલાર પંથકના ત્રણ સાંસદો સંસદમાં… –
જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાલાર પંથકમાંથી હવે ત્રણ સંસદ સભ્યો થશે. જેમાં ખંભાળિયાના જીતેન્દ્રભાઈ કણજારીયા હવે બિનહરીફ થવાની પૂરી સંભાવનાઓ સાથે જામનગરના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ હાલ સાંસદ તરીકે હાલાર પંથકનું પ્રતિનિધિત્વ કરે છે. ખંભાળિયાના મૂળ વતની પરિમલભાઈ નથવાણીએ પણ આજરોજ ઝારખંડમાંથી તેમનું નામાંકન પત્ર ભર્યું છે. ત્યારે હવે હાલાર પંથકમાં ઐતિહાસિક અને નોંધપાત્ર કહી શકાય તેમ ત્રણ સાંસદો સંસદ ભવનમાં રહેશે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
