Saturday June 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગે યાદી

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૩-૨૦૨૫

         ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝનમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. ઘઉંની ખરીદી માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. જેમાં નોંધણીની મુદત વધારીને તા. 5 એપ્રિલ સુધીની કરવામાં આવી છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે ગત તા. 16 માર્ચ સુધી હાથ ધરવામાં આવી હતી, જેની સમયમર્યાદા વધારીને તા. 5 એપ્રિલ સુધીની કરવામાં આવી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

       જેની નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12 8-અ તેમજ પાકની વાવણી અંગે એન્ટ્રી 7/12 કે 8-અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

        ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે ખરીદી અંગે જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ કે ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી. ઉપરાંત નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તેની નોંધણી સ્થળ કે કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવાની રહેશે. તેમજ ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો.

       નોંધણી બાબતે ખેડૂતોને કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top