દ્વારકાના ગોમતી તટે ભકિતનો મહાસાગર શંકરાચાર્ય ઘાટ પર નિત્ય સંધ્યા આરતીનો દિવ્ય નજારો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬

     ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર તીર્થધામ દ્વારકામાં જગતમંદિર નજીકમાં વહેતી પવિત્ર ગોમતી નદીના કિનારે દરરોજ સાંજે એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય સર્જાય છે. શંકરાચાર્ય ઘાટ પર યોજાતી નિત્ય સંધ્યા આરતી પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની છે.

– ભકિત અને સંસ્કૃતિનો અનોખો સંગમ –

  સૂર્યાસ્તના સમયે જ્યારે આકાશ કેસરી રંગે રંગાય છે ત્યારે ગોમતી તટ પર શંખનાદ સાથે સંધ્યા આરતીનો પ્રારંભ થાય છે. પ્રજવલિત મશાલ અને વિશાળ દીપમાળાઓ સાથે જયારે બ્રાહ્મણો શાસ્ત્રોકત વિધિથી આરતી કરે છે, ત્યારે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. દ્વારકા આવતા દરેક યાત્રીકો માટે ભકિત, સંગીત અને શ્રધ્ધાના ત્રિવેણી સંગમમાં સહભાગી થઈ આ સંધ્યા આરતીનો લ્હાવો એક જીવનભરનું સંભારણું બની રહે છે.

– દિવ્ય વાતાવરણમાં ગંગા આરતીની અનુભૂતિ –

      દ્વારકાના ગોમતી ઘાટે થતી સંધ્યા આરતીમાં ઝળહળતા ગોમતી નદીના શંકરાચાર્ય ઘાટ પર કાશી અને હરિદ્વારની ગંગા આરતી જેવો જ ભવ્ય નઝારો હવે દ્વારકાધીશ મંદિર નજીક જોવા મળી રહયો છે. આ આરતી નિહાળવા બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટતા હોય સ્થાનીય પર્યટનનું પણ આકર્ષણસમુ બની રહ્યું છે. દ્વારકાના ગોમતી નદીના શંકરાચાર્ય ઘાટે દરરોજ સાંજે સૂર્યાસ્ત સમયે (સાડા છ વાગ્યે) થતી મહાઆરતી અહીં આવતા શ્રધ્ધાળુઓને ગોમતી આરતીમાં સહભાગી થવું એ માત્ર ધાર્મિક ક્રિયા જ નહિં, પરંતુ મનને શાંતિ આપતો અલૌકિક અનુભવ સમો બની રહ્યો છે.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *