ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ પૂર્વે નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને રાજસ્થાનના અજમેર ખાતેથી દબોચી લીધો છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2021માં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ 406, 420 અને 114 મુજબ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ધરપકડ ટાળવા માટે છેલ્લા પાંચ વર્ષથી સતત નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે વારંવાર પોતાના રહેઠાણ અને લોકેશન બદલી રહ્યો હોવાથી પોલીસના હાથમાં આવતો નહોતો.
પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહેડ અને પોરબંદર શહેરના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રુતુ રાબાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમીયાની ટીમ કાર્યરત હતી.
તપાસ દરમિયાન કમલાબાગ સર્વેલન્સ સ્ટાફના એન.ટી.ભટ્ટ, સાજન રામશીભાઈ અને વિજય ભીમાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનાનો આરોપી હાલ રાજસ્થાનના અજમેર જિલ્લામાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પીએસઆઈ જે.એલ.જાડેજા અને તેમની ટીમે અજમેર ખાતે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.
ઝડપાયેલ આરોપીની વિગત
પકડાયેલ આરોપીનું નામ સન્નીકુમાર ઉર્ફે સંજય નરેશભાઈ ગુપ્તા (કંસારા) છે. 32 વર્ષીય આ આરોપી મૂળ બિહારના ગોવિંદપુર ગામનો વતની છે. તે સુરતના અમરોલી, નડિયાદના જવાહરનગર અને રાજસ્થાનના અજમેર એમ અલગ-અલગ જગ્યાએ રહેતો હોવાનું સામે આવ્યું છે.
પ્રશંસનીય કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.સી.કાનમીયા, પીએસઆઈ જે.એલ.જાડેજા, એ.એ.કોડીયા, એસઆઈ એસ.એ.બકોત્રા, એન.ટી.ભટ્ટ, બી.પી.માણીયા, સાજન રામશીભાઈ, સુરેશ કીશાભાઈ, વિજય ભીમાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ અને દક્ષાબેન ગીજુભાઈ સહિતના સ્ટાફ મિત્રો જોડાયા હતા. પાંચ વર્ષ જૂના વણઉકેલાયેલા કેસમાં આરોપીને પકડી પાડી પોલીસે ગુનાખોરી ડામવા માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
