Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ

– જિ. પંચાયત, તા. પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ અધિકારીઓને માહિતી અપાઈ –

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬

        રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ અનુસંધાને આજરોજ ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

       આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

       આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ તેમજ માનવબળ વ્યવસ્થાપન, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

       ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને જરૂરી માહિતી નાગરિકો સુધી પહોંચાડવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને તથા એસ.વી.ઈ.ઈ.પી. અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના તાલીમ, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં  રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તેમજ તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *