Saturday June 21, 2025

દ્વારકા નજીક ખાનગી કંપનીના યલો ઝોનમાં ડ્રોન ઉડાવતા શખ્સ સામે ફરિયાદ

     

કુંજન રાડિયા, દ્વારકા

    દ્વારકાથી આશરે 31 કિલોમીટર દૂર આવેલી આરએસપીએલ લિમિટેડ (ઘડી કંપની)માં યલ્લો ઝોન વિસ્તારમાં કોઈ શખ્સ દ્વારા ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિના સમયે ડ્રોન ઉડાવવામાં આવ્યું હોવાનું કંપનીના સિક્યુરિટી કર્મચારીને ધ્યાન આવ્યું હતું.

         આથી ઝારખંડ રાજ્યના જમશેદપુરના મૂળ વતની અને હાલ આરએસપીએલ કંપનીમાં સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના હેડ મનોહરકુમાર રઘુવંશમની જયસ્વાલ (ઉ.વ. 56) દ્વારા અજાણ્યા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે અહીં ડ્રોન ન ઉડાવવા અંગેનું જાહેરનામું હોવા તેમજ આ સંવેદનશીલ વિસ્તારમાં વાઈટલ ઇન્સ્ટોલેશન એરીયા હોવા છતાં આરોપી દ્વારા ડ્રોન ઉડાવીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજી શકે અને માનવ જીવન જોખમાઈ શકે તેવું બેદરકારભર્યુ કૃત્ય કરીને બદઈરાદાથી ભયનો માહોલ સર્જીને ડ્રોન કેમેરા (યંત્ર) ઉડાવવાનું આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું વધુમાં જાહેર થયું છે.

        આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ તેમજ ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.

____________________________________________________________________________

ખંભાળિયાના વિંઝલપર ગામે રોકડ રકમની ચોરી

         ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા કાનાભાઈ રાણાભાઈ કરમુર નામના વેપારીની માધવ એગ્રો નામની દુકાનમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને દુકાનનો પાછળનો દરવાજો ખોલી અને દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 44 હજારની રોકડ રકમની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

____________________________________________________________________________

કલ્યાણપુર, મીઠાપુરમાંથી આઠ જુગારીઓ ઝડપાયા

        કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામેથી પોલીસે તીનપતી નામનો જુગાર રમી રહેલા હેમંત રણમલભાઈ ગોરીયા, રમેશ હમીરભાઈ ધ્રાંગુ, ધના રામાભાઈ કરંગીયા, હેમંત હમીરભાઈ ધ્રાંગુ, હરદાસ રાજશી ભાઈ કરંગીયા અને જેસા અરશીભાઈ કંડોરીયા નામના છ શખ્સોને ઝડપી લઈ, રૂ. 15,270 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

       મીઠાપુર પોલીસે ટાટા કંપનીના પાર્કિંગમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા સીદુભા અબડાભા જામ અને શિવાભા જેઠાભા જગતીયાને જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top